ધાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મધ્યપ્રદેશના ધારમાં જનસભાને સંબોધી. આ દરમિયાન તેમણે કહ્યું કે, વિપક્ષ વાયુસેના પર સવાલો ઉઠાવીને તેમનું મનોબળ તોડવાનો પ્રયાસ કરી રહ્યો છે. મોદીએ કહ્યું કે, એરસ્ટ્રાઈક પાકિસ્તાનમાં થઈ હતી પણ તેનો આઘાત ભારતમાં બેઠેલા ઘણાં લોકોને લાગ્યો છે. વિપક્ષનાં મોઢા એવી રીતે પડી ગયા છે જાણે દુઃખોનો પહાડ તૂટી પડ્યો હોય. વડાપ્રધાનમંત્રી પહેલા ૧૬ ફેબ્રઆરીએ સભા કરવાના હતા. પરંતુ પુલવામા હુમલા બાદ આ સભાનો કાર્યક્રમ રદ કરાયો હતો. મોદીએ કહ્યું, પહેલા હું ૧૬મી ફેબ્રુઆરીએ ધારમાં આવવાનો હતો પણ પુલવામા હુમલાને કારણે આ કાર્યક્રમ ટાળી દેવાયો હતો. આજે હું એવા સમયે તમારી વચ્ચે આવ્યો છું, જ્યારે તે હુમલાનો આપણી વાયુસેનાએ તેમના જ ઘરોમાં ઘુસીને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતે હવે આતંકીઓ અને આતંકનાં આકાઓને કહી દીધુ છે કે હવે તેમની પાસે સુધરવા સિવાય કોઈ રસ્તો નથી. તેમ છતા જો સુધારો નહી આવે તો, શું થશે એ પણ જણાવી દેવામાં આવ્યુ છે. વડાપ્રધાને કહ્યું અમારી સેનાના પરાક્રમ પર તમને ગર્વ છે કે નહીં. તમને લાગે છે કે તેમને બરાબર કર્યુ છે, આખા દેશને લાગે છે કે અમે બરાબર કર્યુ છે. આખી દુનિયાએ કહી દીધુ કે હિન્દુસ્તાનની પાસે એક જ રસ્તો હતો. આપણા દેશનું દુર્ભાગ્ય છે કે અહીં ઘણા એવા લોકો છે, જેમને વાયુસેના દ્વારા અપાયેલો જવાબ બરાબર લાગતો નથી. ઘણાં લાંબા સમય સુધી દેશમાં શાસન કર્યુ જે પાર્ટીનાં નેતાઓએ અમારી પરાક્રમી સેનાનાં હાથ બાંધીને રાખ્યા હતા, તેના જ નેતાઓ હવે આપણા વીર જવાનોનાં સામર્થ્ય પર સવાલ ઉઠાવી રહ્યા છે.
ભારતમાં મહામિલાવટ કરનારા લોકો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે મિલાવટ કરવામાં લાગ્યા છે. પોતાન રાજકીય સ્વાર્થ માટે પાકિસ્તાન સાથે મળીને આ લોકો આવું કરી રહ્યા છે. અહીં આ લોકો મોદીને ગાળો આપો છે અને પાકિસ્તાનમાં તેમના માટે તાળીઓનો ગળગળાટ થાય છે. આજકાલ આ મહામિલાવટી લોકો પાકિસ્તાનનાં પોસ્ટર બોય પણ બની ગયા છે.
મોદીએ કહ્યું મધ્યપ્રદેશના એક નેતાએ આજ સવારે જ પુલવામા આતંકી હુમલાને દુર્ઘટના જાહેર કરી દીધી છે. આ અમસ્તુ નથી બોલ્યા, આજ તેમની માનસિકતા છે અને તેમની રગોમાં છે.
આતંકીઓને બચાવવા માટે અને તેમને બચાવવા માટે હુમલાને ઘટના ગણાવી રહ્યા છે. શું પુલવામામાં જે પણ થયુ તે દુર્ઘટના હતી? આ તેમના રાક્ષસી કૃત્યની ગંભીરતાને ઓછી કરવાનો પ્રયાસ છે. આ લોકોને આતંકવાદને પ્રોત્સાહન આપનારા શાંતિદૂત લાગી રહ્યા છે.
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા આ પ્રદેશ ભાજપ માટે ઘણો મહત્વનો છે. ધાર લોકસભામાં વિધાનસભાની આઠ સીટો છે. જેમાંથી સાત કોંગ્રેસ પાસે છે, જ્યારે ૨૦૧૩ની વિધાનસભામાં અહીંની પાંચ સીટો પર ભાજપે જીત મેળવી હતી. નવેમ્બર-ડિસેમ્બરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં માલવા-નિમાડ વિસ્તારમાં ભાજપને સૌથી ઓછી સીટો મળી હતી.