આવતીકાલે ગાંધીનગરના સચિવાલયમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી નવી સરકારની શપથવિધિ કાર્યક્રમની ચાલી રહેલી તૈયારીઓ દરમિયાન આજે સોમવારે સવારે ત્રણ મજૂરો ડોમ ઉપરથી પટકાતાં એક શ્રમિકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે શ્રમિકો ગંભીર હોવાની માહિતી મળી છે.
આજે વહેલી સવારે શપથગ્રહણ કાર્યક્રમ સ્થળ પર ડોમ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ક્રેઇન સાથે ડોમ પર કામ કરી રહેલાં શ્રમિકોને ક્રેઇનનો અચાનક ઝટકો આવી જતાં પટકાયા હતા. જેમાં ત્રણ મજૂરોમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે મજૂરોને ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક સારવારઅર્થે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, શપથવિધિ કાર્યક્રમની તૈયારીનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને આપવામાં આવ્યો હતો. જેમાં કામ ચાલુ હતું તે દરમિયાન મજૂરો સેફ્ટી બેલ્ટ પહેર્યા વિના કામ કરતાં હોવાથી ક્રેઇનના ઝટકાના કારણે તેઓ નીચે પટકાયા હતા.