રાફેલ ડીલ પર એક વાર ફરીથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યુ છે. ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધીએ કહ્યુ કે માત્ર એક નવી લાઈન કાઢી છે ’ગાયબ થઈ ગયા.’ ૨ કરોડ યુવાનોનું રોજગાર ગાયબ થઈ ગયુ, ખેડૂતોને યોગ્ય ભાવ, ડોકલામ ગાયબ થઈ ગયુ, જીએસટીથી ફાયદો ગાયબ થઈ ગયો, હવે રાફેલની ફાઈલો પણ ગાયબ થઈ ગઈ. રાહુલ ગાંધીએ એક વાર ફરીથી રાફેલ અંગે પીએમ મોદી પર મોટા આરોપ લગાવ્યા.રાહુલ ગાંધીએ કહ્યુ કે હવે મીડિયાની તપાસ કરવાની વાત થઈ રહી છે પરંતુ જેણે ૩૦ હજાર કરોડનો ગોટાળો કર્યો છે તેના પર કોઈ તપાસ નથી થી રહી. વસ્તુઓને તોડી મરોડીને નરેન્દ્ર મોદીનો બચાવ કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે સરકારનું લક્ષ્ય માત્ર ચોકીદારને બચાવવાનું જ છે.રાહુલ ગાંધીએ કહ્યુ કે કાગળ ગાયબ થયા છે એનો અર્થ એ કે એ કાગળોમાં સત્ય છે.
તેમણે કહ્યુ કે એમાં સ્પષ્ટ લખ્યુ છે કે નરેન્દ્ર મોદી સોદાબાજી કરી રહ્યા હતા અને હવે આ વાત દરેક જણ કહી રહ્યુ છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે રાફેલ ડીલમાં નરેન્દ્ર મોદીએ બાયપાસ સર્જરી કરી છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે આ સરકારના શાસનમાં રોજગાર-ખેડૂતોના મુદ્દા સાથે હવે રાફેલ ડીલની ફાઈલો પણ ગાયબ થઈ ગઈ છે.
રાહુલ ગાંધીએ કહ્યુ કે મોદી સરકારનું કામ બધુ ગાયબ કરવાનું છે. તેમણે કહ્યુ કે જેમના નામ કાગળોમાં છે તેમના પર કાર્યવાહી થવી જોઈએ. તેમની સામે કેમ કાર્યવાહી કરવામાં નથી આવી રહી. રાહુલ ગાંધીએ રાફેલ પર મોટો હુમલો કરતા કહ્યુ કે તમારે જેમની સામે કાર્યવાહી કરવી છે કરો પરંતુ પ્રધાનમંત્રી મોદી પર પણ કાર્યવાહી થવી જોઈએ. પ્રધાનમંત્રીએ સીબીઆઈ ડાયરેક્ટરને હટાવ્યા ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પણ ફટકાર લગાવી હતી. તેમણે અનિલ અંબાણીના ખિસ્સામાં ૩૦ હજાર કરોડ રૂપિયા નાખી દીધા.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ, ‘રાફેલ ડીલમાં પ્રધાનમંત્રીએ જ મોડુ કર્યુ અને તેમણે પોતે આની તપાસ કરાવવી જોઈએ. ત્યારબાદ જલ્દી બધુ સામે આવી જશે કે બધા પૈસા ક્યાં ગયા.’ રાહુલ ગાંધીએ કહ્યુ કે જો પ્રધાનમંત્રી મોદીને લાગે છે કે તે નિર્દોષ છે તો પછી તપાસ કરાવવા દો. અમારી જેપીસી તપાસની માંગનો સ્વીકાર કેમ કરવામાં નથી આવી રહ્યો. રાહુલ ગાંધીએ કહ્યુ કે સંરક્ષણ મંત્રાલયની ફાઈલમાં લખ્યુ છે કે પ્રધાનમંત્રી જ ડીલ કરી રહ્યા છે તો તેમના પર કાર્યવાહી થવી જોઈએ.