ધો.૧૦ની પરીક્ષામાં ૭૮૨ વિદ્યાર્થીઓ ગેરહાજર

1053

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો.૧૦-૧૨ની પરિક્ષાનો પ્રારંભ થયેલ જેમાં ભાવનગર જિલ્લામાં આજે ધો.૧૦ની પરીક્ષામાં કુલ ૭૮૨ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

ભાવનગર શહેર-જિલ્લાનાં તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર આજે પ્રથમ દિવસે તમામ પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક કરી મોં મીઠુ કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો.

ધો.૧૦માં આજે પ્રથમ દિવસે ગુજરાતી ભાષાનાં પેપરમાં નોંધાયેલા કુલ ૩૯,૪૧૯ પૈકી ૩૮,૬૩૭ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને ૭૮૨ ગેરહાજર રહ્યા હતા. સવારે ધો.૧૨નાં સહકાર પંચાયતમાં નોંધાયેલ તમામ ૪૬ વિદ્યાર્થી હાજર રહ્યા હતા. આજે ધો.૧૦નું ગુજરાતી ભાષાનું પેપર સરળ રહ્યું હોય વિદ્યાર્થીઓએ હર્ષની લાગણી અનુભવી હતી.

બપોરનાં સમયે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનાં ફીઝીકસનાં પેપરમાં નોંધાયેલા ૫૧૯૯ પૈકી ૫૧૬૪ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને ૩૫ ગેરહાજર રહ્યા હતા જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં નામનાં મુળતત્વો વિષયનાં પેપરમાં કુલ ૭૩૩૪ પૈકી ૭૨૩૬ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને ૯૮ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. આમ પ્રથમ દિવસે શાંતિ પૂર્ણ રીતે પરીક્ષા લેવાઈ હતી એક પણ ગેરરીતીનો બનાવ બન્યો ન હતો.

Previous articleભાવ. પોલીસ કર્મચાર્રીઓને આવાસની ભેટ આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણી
Next articleશેત્રુંજીમાં નર્મદાનાં નીરનાં વધામણા કરતા મુખ્યમંત્રી