ર્બમિંઘમઃ ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતની સાઇના નેહવાલ અને કિદાંબી શ્રીકાંતે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. સાઇનાએ ડેનમાર્કની જર્સફેલ્ટને ૮-૨૧, ૨૧-૧૬, ૨૧-૧૩થી પરાજય આપ્યો હતો. આ મેચ ૫૧ મિનિટ સુધી ચાલી હતી. સાઇનાએ સતત ત્રીજીવાર જર્સફેલ્ટની વિરુદ્ધ જીત હાસિલ કરી છે. સાઇના ૯મી વખત ટૂર્નામેન્ટના અંતિમ-૮માં જગ્યા બનાવવામાં સફળ રહી છે. સાઇના હવે ક્વાર્ટર ફાઇનલમાં નંબર-૧ તાઇવાનની જાઈ ઝૂ યિંગ સામે ટકરાઈ શકે છે.
કિબાંદી શ્રીકાંતે ઈન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટીને ૨૧-૧૭, ૧૧-૨૧, ૨૧-૧૨થી હરાવ્યો હતો. શ્રીકાંત પ્રથમવાર ક્વાર્ટર ફાઇનલમાં રમશે. તે હવે નંબર-૧ જાપાનના કેન્તો મોમોતા સામે ટકરાશે.
અન્ય પુરૂષ સિંગલ્સ મેચમાં બી સાઈ પ્રણીત પોતાનો મેચ હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. પ્રણીતને હોંગકોંગના એનજી કા લોંગ એંગસે ૨૧-૧૨, ૨૧-૧૭થી પરાજય આપ્યો હતો.
મહિલા ડબલ્સમાં ભારતની અશ્વિની પોનપ્પા-એન સિક્કી રેડ્ડીની જોડી જાપાનની શિહો તનાકા-કોહારૂ યોનોમોતીની જોડી સામે ૨૧-૧૬, ૨૬-૨૮, ૧૬-૨૧થી હારી ગઈ હતી.
આ પહેલા સાઇનાએ મહિલા સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં સ્કોટલેન્ડની ક્રિસ્ટી ગિલમોઉરને ૨૧-૧૭, ૨૧-૧૮થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી.