કોંગ્રેસના તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડને ખનીજ ચોરી કેસમાં બે વર્ષ અને નવ મહિનાની સજા પર સેશન્સ કોર્ટે કન્વેયન્સ સ્ટે આપતા તેમનું સસ્પેન્શન પાછું ખેંચવાની માંગ સાથે વિપક્ષ નેતા પરેશ ધાનાણી વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળવા માટે પહોંચ્યા હતા. નીચલી કોર્ટે ભગવાને બારડને આ કેસમાં દોષી ગણાવીને સજા ફટકારી હતી. જે બાદમાં રાજેન્દ્ર ત્રિવેદીએ તેમને સસ્પેન્ડ કર્યા હતા.
નીચલી કોર્ટની સજા સામે ભગવાન બારડે વેરાવળ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં કોર્ટે તેમને રાહત આપી હતી. સુપ્રીમ કોર્ટના નવા નિર્દેશ મુજબ જો આવો સ્ટે મળે તો જે તે ધારાસભ્ય અથવા સસંદનું પદ યથાવત રહે છે. આ માટે જ તેમનું સસ્પેન્શન પરત ખેંચવા માટે ધાનાણી સહિતના કોંગ્રેસી નેતાઓ વિધાનસભાના અધ્યક્ષને મળવા માટે પહોંચ્યા હતા.
અધ્યક્ષ સાથે ૧૫ મિનિટ સુધી ચર્ચા કર્યા બાદ પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપના સત્તા લાલચૂ લોકોએ અધ્યક્ષ પર ખોટું દબાણ ઉભું કરીને ભગવાન બારડને સસ્પેન્ડ કરાવ્યા છે. આ કેસમાં તેઓ સીધા કે આડકતરી રીતે તેઓ સંકળાયેલા નથી. સૂત્રાપાડા કોર્ટે તેમને ગુનેગાર ઠેરવ્યા હતા. તેમજ જાત મુચરકા ઉપર ત્યારે જ જામીન આપી દીધા હતા. એટલું જ નહીં કોર્ટે બે વર્ષ કરતા વધારે ફરમાવેલી સજાને અપીલ સમય સુધી મોકૂફ પણ કરી હતી અને અરજદારને ઉપલી કોર્ટમાં જવાની છૂટ આપી હતી.
આમ છતાં સત્તાના લાલચમાં ખોટું દબાણ ઉભું કરીને ભગવાન બારડને સસ્પેન્ડ કરાવવામાં આવ્યા હતા.
પરેશ ધાનાણીએ જણાવ્યું કે, “અમે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળીને ભગવાન બારડનું સસ્પેન્શન પરત ખેંચવાની રજુઆત કરી છે. એટલું જ નહીં સેશન્સ કોર્ટના આદેશની નકલ અને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાની નકલ પણ આપી છે. અધ્યક્ષે અમને આ બાબતે યોગ્ય અભ્યાસ કરીને જરૂરી પગલાં લેવાની ખાતરી આપી છે.