સ્વાદપ્રિય ભાવેણાવાસીઓ ઋતુ અનુરૂપ ભોજનનો આસ્વાદ માણે છે. ભોજનની અનેક વેરાયટીઓ વચ્ચે પણ શિયાળાના સમયગાળામાં દેશી ખાણુ બાજરાના રોટલા સહિતના પકવાનો આજે પણ લોકપ્રિય છે. ગામડાઓમાં ખેડૂતો શ્રમિકો બાજરાના રોટલાનો રોજીંદા ભોજનમાં અવશ્ય સમાવેશ કરે છે પરંતુ શહેરીજનો શિયાળાની સિઝનમાં રોટલા વધુ આરોગે છે. જાહેર માર્ગોના કાંઠે ચૂલા પર પરંપરાગત દેશી પધ્ધતિથી પકવવામાં આવતા રોટલા આરોગવાનો આગ્રહ વધુને વધુ લોકો રાખે છે. પરિણામે પેટીયુ રળતા લોકો માટે પણ શિયાળાનો સમય આર્થિક ઉપાર્જન માટે ઉચીત રહે છે.