ઉનાળામાં પીવાના પાણીની તંગી ન સર્જાય તે માટે ગુજરાત સરકાર દ્વારા નર્મદા ડેમમાં પાણીના પૂરતો ધોરણસરનો જથ્થો ઉપલબ્ધ કરવા કરાયેલી રજૂઆતને પગલે મધ્યપ્રદેશ સરકાર દ્વારા પાણીનો પર્યાપ્ત જથ્થો નર્મદા ડેમમાં છોડવાની ખાતરી આપવામાં આવી છે.
શુક્રવારે દિલ્હીમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં નર્મદા નિગમના એમડી રાજીવ ગુપ્તા અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા ખરીફ અને રવી સિઝન માટે પૂરતું સિંચાઈનું પાણી આપ્યા બાદ ૨૮મી ફેબ્રુઆરીથી સિંચાઈનું પાણી આપવાનું બંધ કર્યું છે અને નર્મદા ડેમમાં પાણીનો તમામ જથ્થો માત્ર પીવા માટે રિઝર્વ રખાયો છે. ઉનાળામાં પીવાના પાણીની તંગી ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા દિલ્હીની આ બેઠકમાં રજૂઆત કરાઈ હતી, જેની સામે મધ્યપ્રદેશ સરકારના અધિકારી ઓ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે ગુજરાત માટે નર્મદા ડેમમાં પૂરતું પાણી છોડાશે.