ગુજરાતભરમાં બેવડી સિઝનના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૭.૩ અને મહત્તમ તાપમાન ૩૨.૩ ડિગ્રી રહ્યું હતું. આવી જ રીતે પાટનગર ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ૧૭.૫ ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં પરંતુ ગરમીનો અનુભવ લોકો કરી શકે છે. આવતીકાલ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે ગરમીનું પ્રમાણ હવે વધી શકે છે. મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી સુધી પહોંચી શકે છે. હાલમાં સ્વાઈન ફ્લુ સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કારણે નવા નવા કેસો સપાટી પર આવી રહ્યા છે. ગુજરાતભરમાં સ્વાઈન ફ્લુએ જોરદાર આતંક મચાવ્યો છે ત્યારે બેવડી સિઝનના કારણે ઈન્ફેકશનમાં પણ વધારો થયો છે. હવામાન વિભાગના કહેવા મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં જોરદાર ગરમીનું મોજુ ફરી વળવાની શક્યતા દેખાઈ રહી છે. આજે જે વિસ્તારમાં સૌથી વધારે પારો રહ્યો હતો તેમાં રાજકોટનો સમાવેશ થાય છે. રાજકોટમાં મહત્તમ તાપમાન ૩૪.૧ અને ભાવનગરમાં પણ પારો ૩૪.૧ ડિગ્રી રહ્યો હતો. આજે અમદાવામાં મહત્તમ તાપમાન ૩૨.૩, ગાંધીનગરમાં ૩૧.૬, ડીસામાં ૩૧.૧, સુરતમાં ૩૨.૮, વલસાડમાં ૩૩.૯ ડિગ્રી રહ્યું હતું. જ્યારે સુરેન્દ્રનગરમાં પારો ૩૧.૮, ભુજમાં ૩૨.૮ અને નલિયામાં ૩૧.૭ ડિગ્રી પારો રહ્યો હતો. આ વખતે અમદાવાદ સહિત ગુજરાતમાં લઘુત્તમ તાપમાન ઓછુ રહ્યું હતું. ઠંડીનો ગાળો વધારે રહ્યો હતો. જાણકાર લોકોનું કહેવું છે કે આ વખતે ગરમીનું પ્રમાણ પણ વધારે રહેશે. જેથી લોકોને વધારે ગરમીનો અનુભવ થશે. પહેલાથી જ પંખા અને એસીનો ઉપયોગ શરૂ થઈ ગયો છે.