તમારી ઉમર ગમે તેટલી હોય પરંતુ ભાવ બાળક જેવો  હોવો જોઈએ : જીજ્ઞેશ દાદા

795

સમસ્ત નાનાભાઈ ભરવાડ સમાજ આયોજિત લોક કલ્યાણ અને પિતૃ મોક્ષાર્થે ભાવનગર ખાતે જવાહર મેદાનમાં વૃંદાવન ધામમાં યોજાયેલી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ તેમજ મહાવિષ્ણુયાગના ત્રીજા દિવસે કથાનો પ્રારંભ ભજન – ધૂનથી થયો હતો. પૂ.જીજ્ઞેશ દાદાએ કહ્યું કે, કથાના દિવસો ચાલવા માંડ્યા છે બે દિવસ ચાલ્યા ગયા. અનુભવી સંતો કહે છે કે, સુખના દિવસો ઝડપથી ચાલ્યા જાય છે અને દુઃખના દિવસો જલ્દી જતા નથી. ભાગવતના ત્રીજા સ્કંદની શરુઆત કરાઈ હતી. હસ્તીનાપુરના મહામંત્રી વિદુરજી મહારાજ સમૃધ્ધિવાન ઘરનો ત્યાગ કરી નીકળી ગયા છે. આ સમૃધ્ધિવાન ઘરનો ત્યાગ કરી શા માટે તિર્થમાં જવું પડ્યું ? આ પ્રશ્ન છે. પૂ.જીજ્ઞેશ દાદાએ કહ્યું કે,જ્યાં સુધી પ્રશ્ન નહીં થાય તો કથા નહીં થાય. એવા પ્રશ્નો કરવા કે જેનાથી સર્વજનોને ફાયદો થાય. જ્યારે કૌરવો – પાંડવો જુગાર રમેલા ત્યારે પાંડવોને બાર વર્ષનો વનવાસ અને તેરમું વર્ષ ગુપ્તવાસ હતું. એ પૂર્ણ થયા પછી સભા ભરાઈ ત્યારે એવું કહેવાયું કે હવે પાંડવોને તેનો ભાગ આપી દેવો જોઈએ. આ વાત વિદુરજીએ કહી હતી. આથી કલીના અવતાર સમા દુર્યોધને કહ્યું કે, જે અમારું અનાજ ખાય, અમારો મહામંત્રી દુશ્મનનોને સહાય કરવાની વાત કરે એ અમને પસંદ નથી અને કહ્યું કે તમે મહામંત્રી પદ છોડી દયો.આ કારણે વિદુરજીએ ઘર – મહામંત્રી પદ છોડવાનું નક્કી કર્યું.આ વખતે ભગવાન કૃષ્ણએ આવી દુર્યોધનને સમજાવ્યો કે પાંડવોને એમના ભાગનો હિસ્સો આપી દયો. ત્યારે કૃષ્ણ ભગવાને સમજાવ્યા છતાં દુર્યોધન માનતો નથી. અંતે કૃષ્ણએ એને કહ્યું કે, તું એને પાંચ ગામ આપી દે.પણ દુર્યોધન સોઈની અણી ખૂંપે એટલી જગ્યા આપવા પણ તૈયાર ન થયો. દુર્યોધને કહ્યું કે, જો એને કંઈ ભાગ જોતું હોય તો એ મારી સાથે યુધ્ધ કરીને જીતીને લઈ જાય.દુર્યોધનને યુધ્ધ ના કરવા સમજાવ્યો. પણ દુર્યોધન ના માન્યો. આમ બપોરનો સમય થયો. દુર્યોધને ભોજનનો આગ્રહ કર્યો પણ કૃષ્ણએ કહ્યું કે તે મારું ના માન્યું આથી હું તારે ત્યાં ભોજન નહીં કરું.

Previous articleભાવનગર-ગાંધીસનગર ઈન્ટરસીટી કાલથી સવારે ૪-પ૦ કલાકે ઉપડશે
Next articleકાળિયાબીડ પાણીની ટાંકી પાસેના નડતર રૂપ કવાટર્સ હટાવી રસ્તો ખુલ્લો કરાયો