ગુજરાત ચૂંટણીમાં સારી એવી સીટો સાથે ભાજપને ટક્કર આપેલ કોંગ્રેસ પાર્ટી ગાંધીનગરમાં આજથી બે દિવસ સુધી બેઠક કરશે, જેમાં કોંગ્રેસના ધારાસભ્યો સામેલ થશે. આ બેઠકમાં બહુમતીથી જીતેલા અને હારેલા દિગ્ગજ ધારાસભ્યો પણ સામેલ થશે.
આ બેઠકમાં કોંગ્રેસનું સમર્થન કરનારા અપક્ષ ધારાસભ્યો પણ હાજર રહે તેવી શક્યતા છે. કોંગ્રેસની આજની બેઠકમાં વિરોધ પક્ષના નેતાના નામ પર ચર્ચા વિચારણા કરાશે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાર થતાં આ સ્થાન નવા ચહેરાઓને પણ મળી શકે છે.જો કે વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણી અને મોહનસિંહ રાઠવાનું નામ સૌથી અગ્રેસર છે. પરેશ ધાનાણી એક યુવા અને પાટીદાર નેતા છે અને આ વખતે વધારે મતો સાથે જીત પણ પ્રાપ્ત કરી છે.
બીજી તરફ મોહનસિંહ રાઠવાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, જેઓ આદિવાસી નેતા છે. અને તે પોતાના અનુભવના આધારે બાજી મારી શકે છે. આ સિવાયના નવા ચહેરાઓ પર કોંગ્રેસ હાઈકમાન્ડ ચર્ચા વિચારણા કરશે.