જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયા આજે ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાય ગયા હતા. કમલમ ખાતે બીજેપી પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની હાજરીમાં વલ્લભ ધારવિયાએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે તેમણે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, ખરેખર હું કોંગ્રેસમાં જોડાયો ન હતો અને મેં ભાજપ છોડ્યું જ ન હતું. મારું ગૌત્ર ભાજપનું છે.
આ પ્રસંગે વલ્લભ ધારવિયાએ કહ્યું કે, “ભારતીય જનતા પાર્ટી મારું ગૌત્ર છે. એ ગૌત્રમાં જ મારો જન્મ થયો છે. બીજેપીમાં રહીને પાયમાંથી મારું ઘડતર થયું છે. ગયા વખતે લોકસભાની અંદર હું સંગઠનનો અધ્યક્ષ હતો. વિરોધને કારણે હું નારાજ હતો. બાદમાં મેં મારું જાહેર જીવન છોડીને મારા ધંધામાં ધ્યાન આપ્યું હતું. મારી નારાજગીને કારણે હું કોંગ્રેસમાં પણ ન્હોતો ગયો અને બીજેપી છોડ્યું પણ ન હતું. સમય સંજોગોના કારણે રાઘવજીભાઈ ભાજપમાં ગયા હતા. આ સમયે કોંગ્રેસ પાર્ટીને સક્ષમ ઉમેદવાર જોતો હતો. રાઘવજી સામે ચૂંટણી જીતવા માટે મેં ટિકિટ માંગી ન હતી. જાહેર જીવનનો જીવ છું એટલે મને થયું કે હું પ્રયત્ન કરું તો લોકોની સેવા કરવાનો એક મોકો મળશે. આથી જ હું ધારાસભા લડ્યો અને ધારાસભ્ય બન્યો.”
વલ્લભભાઈએ વધુમાં કહ્યું કે, “કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા બાદ મને ખબર પડી કે આ દેશની લૂંટનારી પાર્ટી છે. પરિવારવાદની પાર્ટી છે. આ પાર્ટી દેશ હિતની કે રાજ્ય હિતની કોઈ વાત નથી કરતી. લોકોનું ભલું થાય એવું મને એક વર્ષમાં દેખાયું નહીં. કોંગ્રેસમાં પ્રદેશ લેવલના નેતાઓની ટાંટિયા ખેંચ ચાલે છે. મેં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં કામ કર્યું હોવાથી હું સંગઠનનો જીવ હતો. જ્યારે કોંગ્રેસમાં આવું ક્યાંક દેખાતું ન હતું. લોકોના કામ કરવા હોય તો સંગઠન મજબૂત હોવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીમાં જે સંગઠન શક્તિ છે તેવું કોંગ્રેસમાં કંઈ જ નથી.