ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શહેર અને જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અંગેની આદર્શ આચાર સંહિતાની કડક અમલવારી અને ચૂંટણીની તૈયારીઓ અંગેની માહિતી આપવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. આ અંગેની વિગતો આપતા જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત મતદાનના ત્રીજા તબક્કામાં તા.૨૩ એપ્રિલના રોજ ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર એક સાથે એક જ તબક્કામાં મતદાન યોજાશે. આ માટે તા. ૨૮ માર્ચથી તા. ૪ એપ્રિલ દરમિયાન ઉમેદવારી પત્રો ભરી શકાશે. જ્યારે ૫મી એપ્રિલના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે અને તા. ૮ એપ્રિલ સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે. મતગણતરી તા. ૨૩ મેના રોજ હાથ ધરાશે. આ માટે ભાવનગર સંસદીય મતવિસ્તારમાં ભાવનગર જિલ્લાનાં પાંચ અને બોટાદનાં બે – એમ સાત વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં કુલ ૨૦૦૨ મથક પર ૯,૧૫,૭૯૯ પુરુષ; ૮,૪૧,૫૭૧ મહિલા અને ૩૯ અન્ય મતદારો માટે મતદાન યોજાશે. જિલ્લામાં નોંધાયેલા આ તમામ મતદારોને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર ઓળખ કાર્ડ ઈસ્યૂ થઈ ચૂક્યા છે. જ્યારે આગામી તા. ૧૮ માર્ચ સુધી ચૂંટણીપંચની વેબસાઇટ ુુુ.ર્ષ્ઠી.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ પર ઓનલાઇન અથવા સ્થાનિક મતદાર નોંધણી કચેરી ખાતે ઓફલાઇન નવાં નામ નોંધાવી શકાશે તેમ ઉમેર્યું હતું. આ તકે જિલ્લા ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, મતદાન કાર્યક્રમ જાહેર થવાની સાથે જ જિલ્લાભરમાં આદર્શ આચાર સંહિતાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. વિવિધ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પદાધિકારીઓ પાસેથી તમામ સરકારી યંત્રસામગ્રી રિક્વિઝિટ કરી ચૂંટણી કામગીરી માટે ઉપયોગમાં લેવાના આદેશો અપાઈ ચૂક્યા છે. જિલ્લાભરમાં ઉમેદવારો અને વિવિધ પક્ષોના ખર્ચ અને પ્રચારપ્રસાર સહિતની જુદીજુદી કામગીરી પર નિરીક્ષણ રાખવા માટે કુલ ૨૫ નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેટિક સર્વેલન્સ ટીમ, વિડિયો સર્વેલન્સ ટીમ, ફ્લાઈંગ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા સતત મોનિટરિંગ કરાશે.