કોંગ્રેસ આજે જ્યારે ગાંધીના ગુજરાતમાં પોતાની કારોબારી સમિતિની બેઠક યોજી રહી છે ત્યારે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીજીના નામે કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો છે. અંગ્રેજ શાસન દરમિયાન મીઠા પર લગાવવામાં આવેલા ટેક્સ વિરુદ્ધ મહાત્મા ગાંધી દ્વારા કાઢવામાં આવેલ દાંડીકૂચની ૯૦મી વર્ષગાંઠ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સામે નિશાન તાકતાં જણાવ્યું છે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ઇચ્છતા હતા કે આઝાદી કોંગ્રેસનું વિસર્જન કરી નાખવામાં આવે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસની સંસ્કૃતિ ગાંધીજીની વિચારધારાની વિરુદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે હંમેશાં વંશવાદી સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું છે અને એટલા માટે જ તેઓ કોંગ્રેસને આઝાદી બાદ તુરત વિખેરી નાખવા માગતા હતા.દાંડીયાત્રાની ૯૦મી વર્ષગાંઠ પ્રસંગે પીએમ મોદીએ એક બ્લોગ લખ્યો છે. આ બ્લોગમાં તેમણે લખ્યું છે કે કોંગ્રેસને ક્યારેય લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યે આસ્થા રહી નથી અને ગાંધીજી કોંગ્રેસ કલ્ચરને સારી રીતે સમજી ગયા હતા અને તેઓ ઇચ્છતા હતા કે ૧૯૪૭ બાદ તુરત કોંગ્રેસને વિખેરી નાખવામાં આવે. પીએમ મોદીએ એવું પણ લખ્યું છે કે સૌથી ભીષણ કોમવાદી રમખાણો અને નરસંહાર કોંગ્રેસના શાસનમાં જ થયાં હતાં.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચારને લઇને પણ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમના જણાવ્યા અનુસાર ગાંધીજી એવું કહેતા હતા કે કુશાસન અને ભ્રષ્ટાચાર સાથે સાથે ચાલે છે, પરંતુ કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર એકબીજાના પર્યાય બની ગયા છે. તમે કોઇ પણ એક સેક્ટરનું નામ લેશો તો તમને ત્યાં કોંગ્રેસનું એક કૌભાંડ તો ચોક્કસપણે જોવા મળશે.