ગુજરાતની રાજનીતિના ગરમાવા વચ્ચે રાજ્યમાં વાતાવરણે પણ પોતાનો મિજાજ બદલ્યો. હાલ ગુજરાતમાં અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં એક તરફ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ બીજી તરફ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે.
રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ પડવાના અહેવાલ મળી રહ્યા છે. પાટણ અને બનાસકાંઠાના પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હાલ રાધનપુરમાં વરસાદી છાંટા પડતા જગતનો તાત મુશ્કેલીમાં મૂકાયો છે. આ સિવાય બનાસકાંઠાના દિયોદરમાં પણ વરસાદી છાંટા પડ્યા છે. સામાન્ય રીતે બનાસકાંઠાના દિયોદર વિસ્તારમાં જીરું, એરંડા જેવા રોકડિયા પાકો વધુ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે, જેથી વરસાદી છાંટા ખેડૂતોનું ઘણું બધું અહિત કરી શકે છે.
જ્યારે કંઈક આવી જ સ્થિતિ અરવલ્લીમાં પણ જોવા મળી છે. અરવલ્લીમાં પણ વહેલી સવારથી આકાશમાં વાદળો ઘેરાયેલા જોવા મળ્યાં છે. જેને લઈને જગતના તાત ચિંતિત બન્યા છે. રાજ્યમાં માર્ચ મહિનામાં પણ ઠંડીનો અહેસાસ હજી સુધી દેખાઇ રહ્યો છે. રાજ્યભરમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળે છે. જો કે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હજુ થોડા દિવસ રાજ્યમાં ઠંડી યથાવત રહેશે.
જો કે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આગામી એક સપ્તાહમાં ગરમીનું જોર વધે તેવી શક્યતા છે. જેના કારણે તાપમાનમાં ૪થી ૬ ડિગ્રીનો વધારો થશે. ૧૯ માર્ચ બાદ રાજ્યભરના તાપમાનમાં વધારો થાય તેવું હવામાન વિભાગનું અનુમાન છે.