ચૂંટણીમાં ફોર્મ ભરવાથી લઈને સહી કરવાની પેન, શપથવિધી, ખુરશીમાં બેસવા જેવી સાવ સામાન્ય બાબતોમાં કાંડે લટકાવેલી ઘડીયાળમાં ‘વિજય મહુરત’ની વેઈટ કરતા ભાજપના નેતાઓએ સામી હોળીએ લોકસભાના ઉમેદવારો શોધવા જશે. ગુરૂવારથી હોળાષ્ટ બેસે છે, આ દિવસોમાં ગુજરાતીઓ સારા કામોનો આરંભ કરતા નથી ત્યારે હાઈકમાન્ડે ગુરૃવારથી જ સેન્સ લેવાનું કહેતા ૭૨ નિરીક્ષકોના જીવ તાળવે ચોંટયા છે.
ભાજપના કાર્યકરો પણ જાણે છે કે નિરીક્ષકોને સેન્સ લેવાની કાર્યવાહી લોકતાંત્રિક રાજકિય પાર્ટી હોવાનો દેખાડો કરવા નાટકથી વધારે કંઈ હોતુ નથી. છેલ્લીઘડીએ તો કોંગ્રેસમાંથી કે ભાજપની વિચારધારા સાથે સ્નાન સુતકનો સંબંધન હોય તેવા પેરાશુટ ઉમેદવાર જ થોપી દેવાય છે.
આ વખતે તો આવા પેરાશુટોને સીધા જ કેબિનેટ મંત્રીપદે બેસાડી દેવાતા કાર્યકરો, સ્થાનિક નેતાઓ રોષે ભરાયા છે. આથી, રખે ને કંઈ અજુગતુ ન થાય તેના માટે ગુરૃવારથી શનિવાર દરમિયાન ૨૬ બેઠકોમાં સેન્સ લેવાની કાર્યવાહી ભાજપના કાર્યાલયોને બદલે અધિકાંશ શહેરોમાં પ્રાઈવેટ હોલ કરવાનું નક્કી થયુ છે.