ભાનુશાળીની હત્યા બાદ સાક્ષીની હત્યાનો પણ પ્લાન ઘડાયો’તો :  આશિષ ભાટિયા

606

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મુખ્ય આરોપી કહેવામાં આવતો છબીલ પટેલ ગુરૂવારે એસઆઈટી સમક્ષ હાજર થયો છે. દુબઇથી અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે આવતાની સાથે જ પોલીસે છબીલ પટેલની અટકાયત કરી લીધી હતી.

આ અંગે સીઆઈડી ક્રાઈમના ડીજી આશિષ ભાટિયા અને રેલવે પોલીસે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ જ્યંતિ ભાનુશાલી હત્યા કેસમાં છબીલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. તેમના પુત્ર અને વેવાઇ સામે ગુના દાખલ થતાં છબીલ પટેલ ચારે બાજુથી દબાણમાં આવી ગયા હતા. અને પોલીસ સમક્ષ હાજર થયા હતાં. પોલીસને તેમની પાસેથી ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ મળ્યા છે. તેમની પાસે અન્ય સામાન પણ મળી આવ્યો છે.

પોલીસની પૂછપરછમાં છબીલ પટેલે અનેક વાતો રિપિટ કરી છે. સાથે સાથે તેમણે ગુના બાબતે કબૂલાત પણ કરી હતી. અમારી પાસે તેમની સામે પુરતા પૂરાવા છે. જેના આધારે અમે તેમની સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરીશું.

આશિષ ભાટીયાએ વધુમાં જણાવ્યું કે, શૂટર સાથે કઇ રીતે મળ્યા અને કઇ રીતે ટ્રેનમાં રેકી કરી છે, બંગલાની પણ રેકી કરી હતી. એ તમામ વિગતો મેળવી રહ્યાં છીએ. તેઓ ૨ જાન્યુઆરીએ નીકળી ગયા હતા. પ્રાથમિક તપાસમાં જૂની અદાવતમાં હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં મનીષા પણ સામેલ છે જેની ધરપકડ કરવામાં આવશે. અને અત્યારે કુલ ૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ભાનુશાળી હત્યા કેસમાં પવન જે સાક્ષી છે તેની હત્યાનો પણ પ્લાન કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં સમાધાનની વાત થઇ હોવાનું પણ બહાર આવ્યું છે.

મહત્વનું છે કે, ભાજપના નેતા જયંતી ભાનુશાળીની સયાજી નગરી એક્સપ્રેસના એસી કોચમાં ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ પર ભાનુશાળીની હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. છબીલ પટેલ મસ્કતથી દોહાન અને ત્યાંથી અમેરિકા ગયો હતો. ગુરુવારે વહેલી સવારે અમેરિકાથી અમદાવાદ પહોંચતા જ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ તેની અટકાયત કરી લીધી હતી.

Previous articleકડી-કલોલના ૪૦ ગામના ખેડૂતો પાણી મુદ્દે ઉતર્યા રસ્તા પર, “પાણી નહીં તો મત નહીં”
Next articleકોંગ્રેસે વધુ એક વિકેટ ગુમાવી, હનુભાઈ ધોરાજીયા ફરીથી ભાજપમાં