અમરેલી જિલ્લાના લાઠી-બાબરાના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પછી કોંગ્રેસમાં જતા રહેલા હનુભાઈ ધોરાજીયા ફરીથી ભાજપમાં જોડાયા છે. આ સાથે જ ‘મિશન સૌરાષ્ટ્ર’ અંતર્ગત ભાજપે કોંગ્રેસના વધુ એક નેતાની વિકેટ ખેરવી નાખી છે.
ઉલ્લેખનીય છે કે, ૨૦૦૭માં હનુભાઈ ભાજપની ટિકિટ પરથી બાબરા લિલિયા બેઠક પરથી ૨૫ હજાર કરતાં વધુ મતથી જીત્યા હતા. વર્ષ ૨૦૧૨માં પણ ભાજપે તેમને ટિકિટ આપવાનું કહેતા તેઓ પ્રચારમાં પણ લાગી ગયા હતા. જો કે ભાજપે પાછળથી તેમની ટિકિટ કાપી નાંખતા તેઓ નારાજ થયા હતા. એ પછી તેમણે ભાજપને ‘રામરામ’ કરીને કોંગ્રેસ સાથે ‘હાથ’ મિલાવ્યા હતા.
અમરેલી પંથકમાં હનુભાઈ ધોરાજીયા મજબૂત પાટીદાર નેતા ગણાય છે. જો કે ભાજપી ગોત્રના આ નેતાને ભાજપે ફરી કોંગ્રેસના ‘હાથ’માંથી ખુંચવીને ભગવો ખેસ પહેરાવી દીધો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ તેમને કેસરીયો ખેંસ પહેરાવી ભાજપમાં તેમનું સ્વાગત કર્યું હતું.
ગુરુવારે ૧૪મી માર્ચે ભાજપમાં જોડાતાની સાથે હનુભાઈએ કહ્યું હતું કે, કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર ભાજપમાં જોડાયો છે, તેમણે હાર્દિક પટેલનું નામ લીધા વિના પ્રહાર કર્યા હતા કે, ૨૩ વર્ષનો યુવાન પાટીદારોને છેતરી ગયો છે.
આ સંદર્ભે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતા અને જણાવ્યું હતું કે, હનુભાઈની ક્ષમતા પર ભાજપને ભરોસો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસને અમારી બહુ ચિંતા છે. તેમણે હનુભાઈનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, અમને હનુભાઈની ક્ષમતા પર ભરોસો છે.