ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા સંસ્કારભારતીનો સાહિત્ય માટેનો ૨૦૧૮ના વર્ષનો ‘સંસ્કાર વિભૂષણ’ એવોર્ડ જાણીતા કવયિત્રી રક્ષા શુક્લને રાજ્યપાલ ઓ. પી. કોહલીજીના વરદ્ હસ્તે તા. ૧૦ માર્ચ, ૨૦૧૯ ના રોજ રાજકોટ મુકામે અર્પણ થયો હતો. આ અભિવાદન સમારોહમાં વિવિધ વિધાઓના ૧૨ પ્રતિષ્ઠિત કલાકારો પોંખાયા હતા. જેમાં રક્ષા શુક્લનો પણ સમાવેશ થયો હતો. આ સમારોહમાં સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ નીતિન પેથાણી, સંગીત નાટક અકાદમીના ચેરમેન પંકજ ભટ્ટ, સંસ્કારભારતીના રાષ્ટ્રીય સંયોજક ડૉ. જયેન્દ્રસિંહ જાદવ અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા રક્ષા શુકલનો કાવ્યસંગ્રહ ‘આલ્લે લે’ પ્રગટ થયો છે. જેને વાચકો અને વિવેચકોએ આવકાર્યો છે. સાહિત્યનો પ્રતિષ્ઠિત એવોર્ડ ‘કુમાર ચંદ્રક’ (૨૦૧૫) પણ એમને પ્રાપ્ત થઇ ચુક્યો છે. ૮ માર્ચ, ૨૦૧૯ના રોજ વિશ્વમહિલા દિન નિમિત્તે આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘વિશ્વભારતી સંસ્થાન’ દ્વારા આયોજિત કવયિત્રી સંમેલનમાં પણ એમની પસંદગી થઈ હતી. તા. ૧૮ એપ્રિલ, ૨૦૧૯ના રોજ પુ. મોરારિબાપુ પ્રેરિત ‘અસ્મિતાપર્વ-૨૨’માં કાવ્યાયનની બેઠકમાં કાવ્યપાઠ માટે પણ આમંત્રણ મળ્યું છે.