ઉત્તર પ્રદેશમાં મુખ્ય વિપક્ષ સમાજવાદી પાર્ટીએ ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી દીધી હતી. આ યાદીમાં ચાર ઉમેદવારોના નામો છે પરંતુ સમાજવાદી પાર્ટી નેતા મુલાયમસિંહ યાદવના પુત્રવધુ અર્પણા યાદવનું નામ જ ગાયબ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અર્પણા સંભલ લોકસભા સીટ પરથી ચૂંટણી લડવા ઇચ્છુક હતા પરંતુ તેમને નજરઅંદાજ કરી શફીકુર રહમાન બર્કને ટિકિટ ફાળવી દેવામાં આવી છે. અર્પણા યાદવે સસરા મુલાયમસિંહને અનુરોધ પણ કર્યો હતો પરંતુ પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે તેમને ટિકિટ આપી નથી. આ યાદીમાં ગોંડા લોકસભાથી વિનોદ કુમાર ઉર્ફ પંડિત સિંહ, રામસાગર યાદવને બારાબંકી, તબસ્સુમ હસનને કૈરાના અને શફીકુર રહમાન બર્કને સંભલ લોકસભા સીટ માટે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં વિશેષ બાબત એ છે કે, સંભલ સીટથી અર્પણા યાદવે ટિકિટની માંગ કરી હતી પરંતુ તેમની જગ્યાએ અખિલેશ દ્વારા શફીકુર રહમાન બર્ક પર વિશ્વાસ વક્ત કરી ટિકિટ આપી દેવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અર્પણા સમાજવાદી પાર્ટીથી છેડો ફાડી સેક્યુલર મોરચાની રચના કરનાર અખિલેશના કાકા શિવપાલની પાર્ટીમાં જોડાઈ શકે છે. તેમણે શિવપાલની પાર્ટીના સાર્વજનિક મંચ પર પહોંચી જઇને શિવપાલના પક્ષમાં નિવેદન કર્યું હતું. થોડાક દિવસો પહેલા જ અર્પણાએ શિવપાલ યાદવના પગે પડી આશીર્વાદ લીધા અને કહ્યું હતું કે, નેતાજી બાદ સૌથી વધુ સન્માન તેઓ કાકા શિવપાલ યાદવનું કરે છે. અર્પણાએ તે સમાજવાદી પાર્ટીમાં રહેશે કે પછી સેક્યુલર મોરચામાં તેનો પણ પણ કાકા શિવાપલ પર છોડવાની વાત કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર મુલાયમસિંહ યાદવની નાની પુત્રધુ સંભલ લોકસભા સીટ મેળવવા ઇચ્છુક હતી. મુલાયમે આને લઇને ગુરુવારના દિવસે અખિલેશ સાથે વાત પણ કરી હતી.