શહેરના જાણીતા સામાજિક કાર્યકર અને કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા, રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખા, અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટ અને અંધ અભ્યુદય મંડળ ભાવનગર સહિત અનેક સામાજિક સંસ્થાઓમાં સેવા આપનાર અને સક્રિય સામાજિક કાર્યકર લાભુભાઈ ટી. સોનાણીએ પોતાનો ૫૩ મો જન્મદિવસ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ સાથે ઉજવ્યો હતો. આ પ્રસંગે તેઓએ પ્રજ્ઞાચક્ષુ બાળકોને પ્રેરણાત્મક સંદેશ પાઠવ્યો હતો તેમજ આજના દિવસે અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટ વતી રાજ્યભરમાં પોતાની ફરજ બજાવતા પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોને પોતાના ઉપરી અધિકારીઓ, આચાર્યો દ્વારા કરવામાં આવતી કનડગત અંગે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીશ્રી સમક્ષ સત્વરે નિરાકરણ આવે અને ઉચિત પગલાં લેવાય તે અંગે પત્ર પાઠવી લેખિત રજૂઆત કરી હતી. જ્યારે જન્મદિવસ પ્રસંગે તેઓએ માનવતાનું કાર્ય કરતા નિરાધાર અને બેરોજગાર શાળાનાં પૂર્વ વિદ્યાર્થી અજય ભાસ્કરભાઈ સોલંકીના વડવા ખાતે આવેલા મકાનને સંસ્થાના ખર્ચે રિપેરિંગ કરાવી આપવાના આદેશની સોપણી કરી હતી. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે- ૫૨ વર્ષની યાત્રા પુર્ણ કરી ૫૩માં વર્ષની સંધ્યાએ એટલુ જ કહેવાનું કે આગામી સમય વિકલાંગોના સર્વાંગી વિકાસનો છે તેઓના શિક્ષણ, રોજગાર અને તાલીમને લગતા અવરોધો સમાજ અને સરકાર સાથે મળી એકમેકના સહકારથી દૂર કરી વિકલાંગોના પુનઃસ્થાપન માટે કામ કરશે, તેવી હું આશા રાખું છું. વિકલાંગો પણ સામાન્ય સમાજનું અભિન્ન અંગ છે તેઓ પણ વિશાળ માનવ સમુદાય વચ્ચે ગૌરવપુર્વક પોતાનું જીવન જીવી શકે તેવું વાતાવરણ પુરુ પાડવા સરકાર અને સમાજએ નૈતિક ફરજ સમજી આગળ આવવું જોઈએ. આ પ્રસંગે સંસ્થાના તમામ કર્મચારીઓ અને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ કેક લાવી લાભુભાઈને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી.