શંકરસિંહ અને મહેન્દ્રસિંહ બંન્ને જુદા જુદા પક્ષમાંથી ચૂંટણી લડશે

986

ભાજપની બી ટીમના કેપ્ટન તરીકે વગોવાયેલા દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા પરનું આળ આ વખતે પણ ફરી મૂકાય તેવી શક્યતા છે. એનસીપીમાં જોડાયેલા શંકરસિંહ વાઘેલા આ વખતે પોતાની જૂની બેઠક ગોધરા પરથી ઉમેદવારી કરવા તૈયાર છે. જોકે શંકરસિંહના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપની ટિકિટ પર સાબરકાંઠાથી ઉમેદવારી કરે તેવી શક્યતા પણ બળવત્તર છે.

શંકરસિંહ ગોધરાથી એનસીપીમાં અને સાબરકાંઠાથી પુત્ર મહેન્દ્રસિંહ ભાજપમાં ચૂંટણી લડશે.

સાબરકાંઠા અને ગોધરાની બેઠક પર શંકરસિંહ વાઘેલાનું કાયમી વર્ચસ્વ રહ્યું છે. સાબરકાંઠા બેઠકમાં ક્ષત્રિય અને ઠાકોર મતદારોની સંખ્યા ચાર લાખથી વધુ છે જ્યારે ગોધરા બેઠક પર પણ સાડા ચાર લાખથી વધુ ક્ષત્રિય મતદારો શંકરસિંહના સમર્થક મનાય છે. શંકરસિંહ અગાઉ ગોધરા બેઠક પરથી બે વાર ચૂંટણી લડી ચૂક્યા છે જ્યારે બાયડ વિધાનસભા બેઠક પરથી તેમના પુત્ર મહેન્દ્રસિંહ ધારાસભ્ય બની ચૂક્યા છે.

હજુ સુધી કોંગ્રેસ અને એનસીપી વચ્ચે બેઠકોની વહેંચણી માટે એકમતી સાધી શકાઈ નથી. ત્રણ બેઠકોની માગણી કરનાર એનસીપી ઓછામાં ઓછી બે બેઠકો તો મેળવશે જ. હાલ ગોધરા, સાબરકાંઠા અને પોરબંદર બેઠક તેમાં મુખ્ય મનાય છે. ગોધરા અથવા સાબરકાંઠા બેઠક પરથી શંકરસિંહ ઉમેદવારી કરી શકે છે. પોરબંદર લોકસભા બેઠક અંતર્ગત આવતી કુતિયાણા વિધાનસભા બેઠક પર એનસીપી  વતી કાંધલ જાડેજા ધારાસભ્ય છે, જેમનું પોરબંદર, કુતિયાણા, માંગરોળના મેર મતદારો પર સારું એવું વર્ચસ્વ છે.

મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા ત્યારે શંકરસિંહે આકરી ટિપ્પણી કરી હતી. એ પછી મહેન્દ્રસિંહે ભાજપનો ત્યાગ કરવાનો દેખાડો ય કર્યો હતો. હવે ચૂંટણી આવતાં ફરી પાછું મહેન્દ્રસિંહને ભાજપ વિના સોરવતું નથી. નવનિયુક્ત રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ચાર્જ લીધો ત્યારે મહેન્દ્રસિંહની હાજરી પણ સુચક ગણાઈ હતી. હાલ સાબરકાંઠા બેઠક પરથી મહેન્દ્રસિંહ ભાજપ તરફથી ઉમેદવારી કરે તે શક્યતા બહુ ઉજળી છે. જો એવું થશે તો બાપુએ બેય હાથમાં લાડવો રાખ્યો ગણાશે.

Previous article૨૦૧૪ના ‘ચાવાળા’ મોદી ૨૦૧૯માં બન્યા ‘ચોકીદાર’
Next articleઆતંકી મસૂદ અઝહર  વિરુદ્ધ અમે સંપૂર્ણ તૈયાર છીએ : આર્મી ચીફ રાવત