ભારતના પીઢ ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્રિ્વનને બે વર્ષથી મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં રમવાનો મોકો નથી મળ્યો જેને પગલે તેણે એક પત્રકાર પરિષદમાં પૂછવામાં આવતાં એવો ખુલાસો કરવો પડ્યો હતો કે ‘હું વ્હાઇટ-બૉલ ક્રિકેટમાં રમવા સમર્થ નથી એવી ઘણાની માન્યતા છે જે ખોટી છે. હું વ્હાઇટ-બૉલ ક્રિકેટમાં રમવા સક્ષમ છું. વ્હાઇટ-બૉલ ક્રિકેટમાં મારો રેકૉર્ડ ખરાબ તો નથી જ. રિસ્ટ-સ્પિનરોની આધુનિક જગતની વન-ડે મૅચોમાં વધુ જરૂર પડે એવું માનવું પણ ભૂલભરેલું છે.’
તમને એક જ ફૉર્મેટ (ટેસ્ટ) પર એકાગ્રતા રાખવાનો પડકાર કેવો લાગી રહ્યો છે? એવું પુછાતાં તેણે જવાબમાં એવું પણ કહ્યું હતું કે ‘છેલ્લે હું જૂન ૨૦૧૭માં ભારત વતી વન-ડે મૅચ રમ્યો હતો જેમાં મેં ૨૮ રનમાં ત્રણ વિકેટ લીધી હતી.
હું એવું પણ માનું છું કે મારા પર્ફોર્મન્સના મુદ્દે જ હું ઘણા લાંબા સમયથી મર્યાદિત ઓવરો માટેની ટીમની બહાર છું એવું નથી. ખરેખર તો ટીમની (સપ્લાય-ડિમાન્ડની) જરૂરિયાતને કારણે ટીમની બહાર છું. મર્યાદિત ઓવરોની ક્રિકેટ ટીમમાં ઘણા મહિનાઓથી કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને લેવામાં આવે છે.