રાજયના પાટનગર ગાંધીનગર શહેર આસપાસના વિસ્તારોમાં દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દોડધામ કરી છે. ત્યારે લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ પોલીસ પણ ચૂંટણીલક્ષી દારૂ પકડવામાં વ્યસ્ત બની ગઈ છે.
શહેર નજીક આવેલા ચિલોડા હિંમતનગર હાઈવે ઉપરથી ચિલોડા પોલીસે બાતમીના આધારે ચંદ્રાલા પાટીયા પાસેથી કુલ ૮૧ બોટલ વિદેશી દારૂ લોડીંગ રીક્ષામાંથી ઝડપી લીધો હતો. આ સાથે એક બુટલેગરને પણ પોલીસે ઝડપી લીધો હતો.
શહેર નજીક આવેલા ચિલોડા-હિંમતનગર હાઈવે ઉપરથી લોડીંગ રીક્ષા નં.જીજે-ર૭-વી-૬૧૯૪માં વિદેશી દારૂ ભરીને આવતો હોવાની બાતમી ચિલોડા પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ચંદ્રાલા પાટીયા પાસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી લોડીંગ રીક્ષા આવતાં તેને ઉભી રાખી હતી. જેમાં તપાસ કરતાં ગુપ્ત ખાનામાંથી ૮૧ નંગ વિદેશી દારૂની બોટલો કબ્જે કરવામાં આવી હતી.
જેમાં સવાર કિશોરસિંહ મોતીસિંહ ચૌહાણ રહે.ઉદેપુર રાજસ્થાનને ઝડપી લઈ ૭૭ હજારનો મુદ્દામાલ કબ્જે કરી દારૂ કયાં આપવાનો હતો તે જાણવા તપાસ શરૂ કરાઈ છે.