પાસના સ્નેહમિલનમાં ભારે હોબાળો : હાર્દિકનો વિરોધ

629

અમદાવાદ શહેરમાં આજે બાપુનગર વિસ્તારમાં પાસના નેતા અને તાજેતરમાં જ કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલના સન્માન અને પાસના કાર્યકરોના સ્નેહમિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ ચાલુ કાર્યક્રમ દરમ્યાન જ અચાનક અલ્પેશ કથીરીયાના સમર્થકો દ્વારા જોરદાર હોબાળો મચાવાયો હોવાની ચર્ચાએ જોર પકડયું હતું. કારણ કે, સમગ્ર કાર્યક્રમમાં હાર્દિકના ફોટા અનએ પોસ્ટરો હતા પરંતુ કયાંય અલ્પેશ કથીરિયાનો ફોટો ન હતો, જેને લઇને પાસના કાર્યકરો ભડકયા હતા અને તેઓએ જોરદાર હોબાળો મચાવવા સાથે હાર્દિકનો ઉગ્ર વિરોધ કર્યો હતો. એક તબક્કે હાર્દિકના પોસ્ટરો ફાડવાના પ્રયાસો પણ થયા હતા. જો કે, એક તબક્કે હાર્દિકે મધ્યસ્થી કરી હતી. હાર્દિકે આ મામલે સ્પષ્ટ કર્યું હતું કે, આજના સમયમાં દરેકને પોતાનો વિરોધ વ્યકત કરવાનો અધિકાર છે. જેને લઇને હવે હાર્દિકનો પાટીદાર સમાજમાં ખુલ્લો વિરોધ સામે આવી રહ્યો છે. શહેરમાં આજે પાસના સ્નેહમિલન કાર્યક્રમમાં હાર્દિક પટેલ સહિતના પાસના આગેવાનો અને નેતાઓ હાજર રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં પાસના કાર્યકરો પણ હાજર રહ્યા હતા.

કાર્યક્રમ ચાલુ હતો, તે દરમ્યાન અચાનક જ કેટલાક કાર્યકરોએ જોરદાર હોબાળો અને સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું હતું. જોતજોતાંમાં અન્ય કાર્યકરો પણ તેમાં જોડાઇ ગયા હતા અને સ્થળ પર ધક્કામુક્કી અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. નારાજ કાર્યકરોનો સ્પષ્ટ રોષ હાર્દિક પટેલ સામે હતો અને તેઓએ એક તબક્કે હાર્દિકના પોસ્ટરો અને ફોટા ફાડવાના પ્રયાસ પણ કર્યો હતો. કાર્યકરોનો આક્રોશ એ વાતને લઇને પણ સામે આવ્યો હતો કે, પોસ્ટર અને ફોટામાં માત્ર હાર્દિકનો જ ફોટા કેમ છે અને અલ્પેશ કથીરિયાના ફોટા કેમ નથી કે જયારે હવે આંદોલનની બાગડોર કથીરિયાના હાથમાં છે. એક તબક્કે મામલો વણસતાં જોઇ ખુદ હાર્દિક પટેલ ચિત્રમાં આવ્યો હતો અને તેણે કાર્યકરોને સમજાવ્યા હતા અને પરિસ્થિતિ ભારે જહેમત બાદ થાળે પડી હતી. દરમ્યાન આ સમગ્ર મામલે એસપીજીના નેતા લાલજી પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલના વલણને લઇ સમાજની અંદર નારાજગી છે, સમાજને પૂછયા વિના કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય ઉતાવળિયો છે. સમાજના યુવાનોનો આ આક્રોશ હોઇ શકે.

હાર્દિકે સમાજના મુદ્દા સ્પષ્ટ કર્યા વિના તે એકાએક કોંગ્રેસમાં જોડાઇ ગયો છે. તેના કારણે પાસમાં અને પાટીદાર સમાજમાં હાર્દિક પટેલ સામે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. પાટીદાર સમાજના મુદ્દાઓ સ્પષ્ટ નહી થાય તો એક તબક્કે અમે ભાજપ અને કોંગ્રેસનો પણ વિરોધ કરીશું.

Previous articleકેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની વિરૂદ્ધ આચારસંહિતા ભંગ કેસ
Next articleબારડનું સસ્પેન્શન પાછુ નહી ખેંચાય તો મતદાનનો ઇન્કાર