ઓસ્ટ્રિયાના ડોમિનિક થિએમે એટીપી ઈન્ડિયન વેલ્સ માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતી લીધું છે. તેણે ફાઇનલમાં પૂર્વ વર્લ્ડ નંબર ૧ સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરરને ૩-૬, ૬-૩, ૭-૫થી પરાજય આપ્યો હતો. વર્લ્ડ નંબર ૮ થિએમ પ્રથમવાર આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યો હતો. આ તેના કરિયરનું ૧૨મું ટાઇટલ છે. ફેડરર હાલ વર્લ્ડ રેન્કિંગમાં ચોથા સ્થાને છે.
ફેડરર આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં નવમી વખત પહોંચ્યો હતો. તે પાંચ વખત અહીં ચેમ્પિયન બની ચુક્યો છે. છેલ્લે ૨૦૧૭માં ફેડરરે ટ્રોફી જીતી હતી. ત્યારે તેણે ફાઇનલમાં પોતાના દેશના સ્ટાન વાવરિંકાને ૬-૪, ૭-૫થી પરાજય આપ્યો હતો.
ફેડરર અને થિએમ વચ્ચે આ પાંચમી ટક્કર હતી. તેમાં થિએમ ૩ અને ફેડરરે ૨ વખત જીત હાસિલ કરી છે. થિએમે આ પહેલા છેલ્લે ફેડરરને ૨૦૧૬માં સ્ટુટગાર્ટના સેમિફાઇનલમાં ૩-૬, ૭-૬, ૬-૪થી પરાજય આપ્યો હતો.
થિએમે સેમિફાઇનલમાં કેનેડાના વર્લ્ડ નંબર-૧૪ ખેલાડી મિલોસ રાઓનિકને ૭-૬, ૬-૭, ૬-૪થી હરાવ્યો હતો. બીજા સેમિફાઇનલમાં ઈજાને કારણે ખસી જતા ફેડરરને વોક ઓવર મળ્યું હતું.
ફાઇનલમાં ફેડરરે ત્રણ અને થિએમે એક એસ લગાવ્યો હતો. થિએમે ૩ જ્યારે ફેડરરે ૨ ડબલ ફોલ્ટ કર્યા હતા.