દેશમાં વધતા જતા વિકાસ અને શહેરીકરણ સામે જળપ્લાવીત ક્ષેત્રો એટલે કે વેટલેન્ડ વિસ્તારોની જાળવણીમાં સરકારની સાથે જનભાગીદારી અત્યંત અનિવાર્ય છે. સાથે સાથે વેટલેન્ડના પુનઃનિર્માણ અને સંરક્ષણ માટે વિદેશમાં છે તેવું કાયદાકીય પીઠબળ દેશમાં પણ જરૂરી છે, એમ વન અને પર્યાવરણ વિભાગના અગ્રસચિવ શ્રી અરવિંદ અગ્રવાલે જણાવ્યું છે.
આજે ગાંધીનગર ખાતે ગીર ફાઉન્ડેશન દ્વારા વેટલેન્ડ સંશોધનમાં લેન્ડસ્કેપ ઇકોલોજીની વિભાવનાઓ અને તકનીકો માટે યોજાયેલી ચાર દિવસની કાર્યશાળાને ખૂલ્લી મૂકતાં અગ્રવાલે ઉમેર્યું હતું કે, પૃથ્વી પર જળપ્લાવીત ક્ષેત્રો ફળદ્રુપ અને ઉત્પાદક પરિસર તંત્રો પૈકીના એક છે પરંતુ વેટલેન્ડના જતન તથા ઇકોસીસ્ટમની જાળવણી માટે જનજાગૃતિ-જનભાગીદારી અનિવાર્ય છે. તેમણે કહ્યું કે, અમેરિકામાં વેટલેન્ડના પુનઃ નિર્માણ અને સંરક્ષણ માટે કડક કાયદો છે તે મુજબ વેટલેન્ડ નાશ પામે કે અસરગ્રસ્ત થાય તો તેટલી જ જમીનમાં નવું વેટલેન્ડ ઉભું કરવું પડે છે. આવો કાયદો ભારત દેશમાં બને તે સંદર્ભે જ્યોર્જીયા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પ્રોફેસર જેફહેપીન્સટાલે સૂચન કર્યું હતું.
પ્રોફેસર જેફહેપીન્સટાલે કહ્યું હતું કે, વસતી વધારો, આર્થિક વિકાસ અને શહેરીકરણને લીધે વેટલેન્ડ પર મોટું દબાણ થઇ રહ્યું છે ત્યારે તેનું જતન કરવું આપણી જવાબદારી છે. ગુજરાતની એકમાત્ર રામસર, સાઇટ નળ સરોવર, કચ્છનું નાનું-મોટું રણ જેવા વેટલેન્ડ રાજ્યમાં ઉપલબ્ધ છે. આવા વેટલેન્ડની જાળવણી માટેની આપણી વિશેષ ફરજ છે. તેમણે આ ક્ષેત્રે આ ચાર દિવસ જે સામૂહિક ચિંતન થશે તે આવનારા સમયમાં વેટલેન્ડ સુરક્ષા ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી નિવડશે તેવી આશા વ્યક્ત કરી હતી.
અગ્ર મુખ્ય વન્ય સંરક્ષક અને વાઇલ્ડ લાઇફ વોર્ડન શ્રી જી.કે.સિંહાએ કહ્યું હતું કે, જળપ્લાવીત વિસ્તારો વિશે અસરકારક સંશોધન અને સંરક્ષણ માટે ‘લેન્ડસ્કેપ ઇકોલોજી’ વિભાવનાઓ અને તકનીકોના આધારે જળપ્લાવીત વિસ્તારોની પરિસ્થિતિનો અભ્યાસ એ ઉભરતું ક્ષેત્ર છે ત્યારે આ ક્ષેત્રે સંશોધનો અનિવાર્ય છે. તેમણે ઉમેર્યું કે, ભારતમાં ૧૪ હજાર જેટલા નાના-મોટાં વેટલેન્ડ આવેલા છે. ગુજરાત ઝડપી આગળ વધી રહ્યું છે. અને ગુજરાતના વેટલેન્ડ વિસ્તારોને રક્ષણ આપવામાં આવ્યું છે. રાજ્યના વેટલેન્ડના સંરક્ષકો માટે આ સેમીનાર ખૂબ જ મહત્વનો પુરવાર થશે. ગુજરાત રાજ્ય પ્રાકૃતિક વારસાથી સમૃદ્ધ છે. કોસ્ટલ, મેન્ગ્રુવ, ગ્રાસલેન્ડ, રણ અને વેટલેન્ડ બેઇઝ ઇકો ટુરીઝમના વિકાસની સાથોસાથ આ વિસ્તારોના કન્ઝર્વેશન બાબતે રાજ્યના વન વિભાગ અને ગીર ફાઉન્ડેશન દ્વારા થતા પ્રયાસો દેશને નવો રાહ ચીંધશે.ગીર ફાઉન્ડેશનના ડાયરેકટર આર.ડી.કંબોજે સ્વાગત પ્રવચન કરીને રાજ્યમાં વેટલેન્ડ વિસ્તારોના સંરક્ષણ અને જતન માટેની કામગીરીની રૂપરેખા આપીને સેમીનારનો ઉદ્દેશ સમજાવ્યો હતો.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ‘ઇમ્પોર્ટેન્ટ વેટલેન્ડ ડેસ્ટીનેશન ઓફ ગુજરાત’ પુસ્તકનું વિમોચન પણ કરાયું હતું. આ સેમીનારમાં જ્યોર્જીયા યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ નિષ્ણાત પ્રોફેસર જેફહેપીન્સટાલ, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, રાજ્યની વિવિધ યુનિવર્સિટીના અનુ-સ્નાતકો, પર્યાવરણ ક્ષેત્રે કાર્યશીલ સહકારી સંસ્થાઓના સંશોધકો, યુનિવર્સિટીના પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.