સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ૮૦મા સ્થાપના દિવસના અવસર પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. ડોભાલે કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે દેશ માટે પુલવામા હુમલામાં શહીદ થનાર જવાનોને હું શ્રદ્ધાંજલિ આપું છું. તેમણે કહ્યું કે દેશ તેને ભૂલ્યું નથી અને કયારેય ભૂલશે પણ નહીં. ડોભાલે ગુરૂગ્રામમાં આયોજીત કાર્યક્રમમાં સીઆરપીએફના યોગદાનને ખૂબ જ અગત્યનું ગણાવતા કહ્યું કે આંતરિક સુરક્ષાનું ખૂબ મહત્વ છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ ૩૭ એવા દેશ હતા, જે તૂટી ગયા અથવા તો પછી પોતાની સંપ્રુભતાને ગુમાવી બેઠા. તેમાંથી ૨૮નું કારણ આંતરિક સંઘર્ષ હતો. દેશ જો નબળા હોય છે તો તેનું કારણ કયાંકને કયાંક આંતરિક સુરક્ષાની કમી હોય છે. તેની જવાબદારી સીઆરપીએફ પર હોય છે તે તમે સમજી શકો છો કે કેટલી મહત્વપૂર્ણ જવાબદારી તમને મળી છે. તેમણે કહ્યું કે સીઆરપીએફને પ્રોફેશનાલિઝમ રાખવું પડશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે ભારત વિભાજન દરમ્યાન સીઆરપીએફના યોગદાનના વખાણ કર્યા. તેમણે કહ્યું કે કદાચ લોકો ભૂલી ગયા છે કે ભારત-પાકિસ્તાનના ભાગલા દરમ્યાન ખૂબ જ ઓછી સંખ્યા હતા.
પરંતુ સીઆરપીએફે જે ભૂમિકા અદા કરી હતી તેના પર પુસ્તક લખી શકાય તેમ છે.
ડોભાલ બોલ્યા હું પણ આ યુનિફોર્ની સાથે અને ભારતની સુરક્ષા સાથે ૫૧ વર્ષથી જોડાયેલો છું. તેમાંથી ૩૭ વર્ષ હું પણ પોલીસનો હિસ્સો રહ્યો. મને સેના અને પોલીસની સાથે કામ કરવાની તક મળી. પરંતુ તમારા બળની ખાસ વિશેષતાઓ છે. આ જ એક બળ છે, જેમાં આટલી વિવિધતા છે. વીઆઈપી સિક્યોરિટી, આતંકવાદ, કઠિન ક્ષેત્રોમાં ડ્યુટી, નોર્થ-ઇસ્ટના પડકારો સહિત જયાં પણ જરૂર પડે ત્યાં સીઆરપીએફ એ અગત્યનું યોગદાન આપ્યું.