વાવ તાલુકાના ગોલગામ ગામના આધેડ તેમની દીકરી સાથે ડીસાની હોસ્પિટલમાં સારવાર લઈ પરત ફરતા થરાદની મુખ્ય કેનાલમાં દીકરીએ દોટ મૂકી કેનાલમાં ઝંપલાવતાં બચાવવા પાછળ દોડેલા બીમાર પિતા બેભાન થઈ ઢળી પડતાં બંનેના મોત થયા હતા. બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી બંનેના મૃતદેહ પીએમ અર્થે ખસેડી એડી નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે પુત્રીએ કેમ કેનાલમાં ઝંપલાવ્યું તે રહસ્ય અકબંધ રહ્યું હતું.
સારવાર મળે તે પહેલા જ મોતઃ વાવ તાલુકાના હાજાભાઇ ધુડાભાઇ નામના આધેડ બીમાર રહેતા હોઇ રવિવારના રોજ તેમની ૧૩ વર્ષની દીકરીને લઈને ડીસા ખાતેની હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા. જેઓ મોડી સાંજના પરત ફરી રહ્યા હતા તે દરમિયાન થરાદની મુખ્ય કેનાલ નજીકથી પસાર થતાં દીકરીએ કેનાલમાં દોટ મૂકી ઝંપલાવી દીધુ હતુ. તે વખતે તેને બચાવવા પાછળ દોડેલા બીમાર પિતા રોડ પર ઢળી પડતાં બેભાન થઇ ગયા હતા બનાવની જાણ સોમવારની સવારે પસાર થતા લોકોને થતાં ૧૦૮ને જાણ કરતા ઘટનાસ્થળે દોડી આવી દલિત આધેડને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ માં ખસેડ્યા હતા જો કે સારવાર મળે તે પહેલા તેમનું મોત થયું હતું. તેમજ પાલિકાના તરવૈયાઓની મદદથી કેનાલમાંથી મૃતક બાળાનો મૃતદેહ બહાર કાઢી પોલીસે એડી નોંધી બંને મૃતક પિતા પુત્રીને પીએમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
બનાવના પગલે મૃતકના પરિવારજનો સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા બનાવની જાણ ગોલગામ ખાતે થતાં અરેરાટી વ્યાપી હતી. જોકે પુત્રીએ એકાએક કેમ કેનાલમાં ઝંપલાવ્યું અને આત્મહત્યા કરી તે રહસ્ય અકબંધ રહયું હતુ.