ચકચારભર્યા ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં આજે સીબીઆઇ તરફથી મહત્વની રજૂઆત સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટમાં કરાઇ હતી કે, અગાઉના કોર્ટના નિર્દેશાનુસાર સીબીઆઇ દ્વારા આ કેસમાં પૂર્વ આઇપીએસ ડી.જી.વણઝારા અને એન.કે.અમીન વિરૂધ્ધ પ્રોસીકયુશન માટે મંજૂરી માંગવામાં આવી હતી જો કે, ગુજરાત સરકારે બંને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે કેસ ચલાવવાની મંજૂરી આપવા ઈન્કાર કર્યો છે. સીબીઆઈના વિશેષ ન્યાયધીશ જે.કે. પંડ્યાએ સીબીઆઈના સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર આર.સી.કોડેકર દ્વારા સોંપેલો પત્ર વાંચ્યા બાદ આ નિર્ણયને રેકર્ડ પર લીધો હતો અને કેસની વધુ સુનાવણી તા.૨૬મી માર્ચે રાખી છે. સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટે જણાવ્યું કે, રાજ્ય સરકારે આ પૂર્વ પોલીસ અધિકારીઓ સામે કેસ ચલાવવાની મંજૂરી આપી નથી. આ પોલીસ અધિકારી ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં ધારા ૧૯૭ હેઠળ આરોપી છે. ત્યારબાદ બચાવ પક્ષના વકીલે બન્ને પૂર્વ પોલીસ અધિકારી સામેની કાર્યવાહી પાછી ખેંચવા માટે અરજી દાખલ કરવાની અનુમતિ માગી હતી. જેને કોર્ટે માન્ય રાખી ૨૬ માર્ચના રોજ અરજી દાખલ કરવા તાકીદ કરી હતી. જેથી હવે બંને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી પ્રોસીકયુશનની મંજૂરી નહી આપતાં રાજય સરકારના હુકમને ટાંકીને તેઓની સામે આરોપો પડતા મૂકવા ફરીથી અરજી કરાશે. સીબીઆઇના સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર આર.સી.કોડેકરે મહત્વની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ઇશરત કેસમાં સીઆરપીસીની કલમ-૧૯૭ મુજબ, પૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ડી.જી.વણઝારા અને એન.કે.અમીન સામે પ્રોસીકયુશન માટે જરૂરી મંજૂરી રાજય સરકાર પાસેથી મેળવવા અગાઉ સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટે હુકમ કયાહતો. આ અંગે સરકારને કાયદાનુસાર નિર્ણય લેવા પણ કોર્ટે તાકીદ કરી હતી. જો કે, રાજય સરકારે બંને અધિકારીઓ પ્રોસીકયુશનની મંજૂરી આપી ન હતી. આ પહેલા કોર્ટે બન્ને અધિકારીઓને કેસમાંથી બિનતહોમત છોડી મૂકવા માંગણી કરતી અરજી ફગાવી સીબીઆઈને પોતાનો પક્ષ સ્પષ્ટ કરવા માટે કહ્યું હતું કે, શું તે બન્ને પૂર્વ પોલીસ અધિકારી સામે કેસ ચલાવવા માટે રાજ્ય સરકારની અનુમતિ ઈચ્છે છે? ત્યાર બાદ સીબીઆઈએ ડી.જી. વણઝારા અને એન.કે.અમીન સામે કેસ ચલાવવા માટે મંજૂરી આપવા વિનંતિ કરી રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો. સીબીઆઈએ ૭ લોકો સામે દાખલ કરેલી ચાર્જશીટમાં વણઝારા અને અમીનના નામ પણ સામેલ છે. જો કે, સરકારના નિર્ણયને પગલે હવે ઉપરોકત બંને ઉચ્ચ પોલીસ અધિકારીઓને બહુ મોટી રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે, ગત તા.૧૫ જૂન, ૨૦૦૪ના રોજ અમદાવાદના કોતરપુર વોટર વર્કસ નજીક મુંબઈની ૧૯ વર્ષની ઈશરત જહાં અને તેના સાથીઓ જાવેદ શેખ ઉર્ફે પ્રણેશ પિલ્લઈ, અમજદ અલી ઉર્ફે રાજકુમાર,અકબર અલી રાણા અને જીશાન જોહર અબ્દુલ ગનીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. ક્રાઇમબ્રાંચે દાવો કર્યો હતો કે, ઈશરત આંતકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હતી. આ કેસમાં ગુજરાતના ટોચના અધિકારીઓને જેલમાં જવું પડ્યું હતું. જો કે, હવે સમગ્ર કેસમાં વળાંક આવ્યો છે.