રાજ્યભરમાં આજે હોળી અને ગુરૂવારે ધુળેટી પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે. આજે રાત્રીનાં ગામે ગામ હોળી પ્રગટાવવામાં આવશે અને ગામે ગામ હોલીકા દહન કરવામાં આવશે.
જયારે ગુરુવારે રંગપર્વ ધુળેટીની ઉજવણી કરવામાં આવશે અને બાળકોથી માંડીને મોટેરાઓ સૌ કોઇ એકબીજાને કલર ઉડાડીને ધુળેટી પર્વની ઉજવણી કરશે.
જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવ્યું છે કે તા. ર૦ અને તા. ર૧ના હોળી, ધુળેટીના તહેવાર હોય, જાહેર રોડ રસ્તાઓ ઉપર ગેરુ-મટોડી કલર-કેમીકલયુકત કલર ઉડાડવાથી રોડ-રસ્તાઓ ઉપર લાંબા સમય સુધી પડયા રહે છે. જેના લીધે વૃધ્ધો, બાળકો, રાહદારીઓ માટે સ્વાસ્થ્યને નુકશાનકારક હોવાથી હોળીના તહેવાર દરમ્યાન જાહેર રોડ, રસ્તાઓ ઉપર કલર ન ઉડાડવા જાહેર જનતાને ખાસ અપીલ કરવામાં આવે છે.
તેમજ વેપારીઓ-રેંકડીવાળા ધંધાર્થીઓને કેમીકલયુકત કલર, ગેરૂ-મટોડીનું વેંચાણ ન કરવા તાકીદ કરવામાં આવે છે, અન્યથા તેઓના માલને જપ્ત કરવા અને તેની સામે જરૂરી જાહેરનામાના ભંગ બદલ કાયદેસરના પગલા ભરવામાં આવશે. કેમીકલયુકત કલર કે જે લેડ ઓકસાઇડ, કોપર સલ્ફેટ, મરકયુરી સલ્ફેટ જેવા ટોકસીક પદાર્થોમાંથી બનેલા હોય છે તેના ઉપયોગના લીધે આંખની બિમારી, એલર્જી, અંધત્વ તથા ચામડીના રોગો થવાનો ભય રહે છે. તેથી ઉપરોકત કારણોસર શહેરની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે જાહેર જનતા દ્વારા ધુળેટીના તહેવાર નિમિતે કેમીકલયુકત કલર તથા ગેરૂ-મટોડી રંગોનો ઉપયોગ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ વખતે હોળીકા દહન ૨૦ માર્ચના રોજ થશે. ૨૦ માર્ચના રોજ સવારે ૧૦ વાગીને ૪૫ મિનીટથી ભદ્રકાળ શરૂ થઈ જશે અને મોડી સાંજે ૮ વાગીને ૫૯ મિનીટ સુધી રહેશે. તેના બાદ રાત્રે ૯ વાગીને ૨૮ મિનીટથી લઈને ૧૧ વાગ્યા સુધી હોળીકા દહનની પ્રક્રિયા કરવામાં આવશે. જ્યોતિષાચાર્ય અનુસાર, હોળીકા દહન ભદ્રકાળમાં નથી કરાતી, પરંતુ દહનની પ્રક્રિયા ભદ્રકાળમાં જ કરવામાં આવે છે, તો તેનાથી પારિવારિક અને માનસિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. હોળીકા દહનના બીજા દિવસે ફાલ્ગુન માસની શુક્લ પક્ષની પૂર્ણિમાએ ધૂળેટી ઉજવાય છે. હોળીનો તહેવાર બુરાઈ પર સત્યતાની જીતની એકતાનું પ્રતીક છે. હોળીકા દહન પર કોઈ પણ બુરાઈને અગ્નિમાં બાળીને ખાખ કરી શકાય છે. હોળીકા વિશે માન્યતા છે કે, હિરણ્યકશ્યપ પોતાના પુત્ર પ્રહલાદની વિષ્ણુ પ્રત્યેની ભક્તિથી નારાજ હતા, અને તેમણે બહેન હોળીકાને પ્રહલાદને મારવાનો આદેશ આપ્યો. હોળીકાની પાસે એવી શક્તિ હતી કે, તેને આગથી કોઈ જ નુકશાન થતુ નથી. ભાઈના આદેશનો પાલન કરતા હોળીકાએ પ્રહલાદને ખોળામાં લઈને તે આગમાં બેસી હતી. પરંતુ ભક્ત પ્રહલાદને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત હતી. જેથી હોળીકાની પાસે વરદાન હોવા છતાં તે આગમાં ભસ્મ થઈ ગઈ હતી, અને પ્રહલાદ સકુશળ બચી ગયો હતો. હોળીનો તહેવાર રાધા કૃષ્ણના પ્રેમ સાથે જોડાયેલો તહેવાર છે. વસંતના મોહક મૌસમમાં એકબીજા પર રંગ નાખવું તેમની લીલાનો એક અંગ માનવામાં આવ્યુ છે. હોળીના દિવસે વૃંદાવન રાધા અને કૃષ્ણના આ રંગમાં ડુબાયેલુ જોવા મળે છે. આ ઉપરાંત હોળીને પ્રાચીન હિન્દુ તહેવામાંથી પણ એક માનવામા આવ્યો છે. એવા પ્રમાણ મળ્યા છે કે, ઈસા મસીહના જન્મના પણ અનેક સદી પહેલાથી હોળીનો તહેવાર ઉજવવામા આવે છે. હોળીનું વર્ણન જૈમિનીના પૂર્વમીમાંસા સૂત્ર અને કથક ગ્રહય સૂત્રમાં પણ કરવામાં આવ્યું છે. પ્રાચીન ભારતના મંદિરોની દિવાલ પર પણ હોળીના તહેવારની ઉજવણીની મૂર્તિઓ છે. વિજયનગરની રાજધાની હમ્પીમાં ૧૬મી સદીનું એક મંદિર છે. આ મંદિરમાં હોળીના અનેક દ્રશ્ય છે, જેમાં રાજકુમાર, રાજકુમારી પોતાના દાસીઓ સહિત એકબીજા પર રંગ લગાવી રહ્યા છે.