લોકસભા ચૂંટણીની બરાબર પહેલા પૂર્વોત્તરમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. અરુણાચલ પ્રદેશમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના બે મંત્રીઓ અને ૧૨ ધારાસભ્યો સહિત કુલ ૧૫ નેતાઓએ મંગળવારના રોજ એક જ સાથે પાર્ટીમાંથી રાજીનામાં આપ્યા છે. રાજીનામું આપેલા તમામ ૧૫ નેતા મંગળવારે એક જ સાથે નેશનલ પીપલ્સ પાર્ટી સાથે જોડાવવાની જાહેરાત કરી ચૂક્યા છે. જાણવા મળ્યું છે કે, વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા પાર્ટીના રાજ્ય મહાસચિવ જારપુમ ગામલિન, ગૃહમંત્રી કુમાર વાઈ, પ્રવાસ મંત્રી જારકર ગામલિન અને કેટલાક ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી ન હતી જેના કારણે એક જ સાથે ૧૫ નેતાઓએ ભાજપ સાથે છેડો ફાડી દીધો. રાજ્યમાં ૬૦ વિધાનસભા સીટોમાંથી ૫૪ સીટો માટેના ઉમેદવારની પસંદગી ભાજપના સંસદીય બોર્ડે રવિવાવરના રોજ કરી હતી. રાજ્યમાં ૧૧ એપ્રિલના રોજ લોકસભાની સાથે સાથે વિધાનસભા ચૂંટણી થનારી છે.
સોમવારના રોજ જારપુમ ગામલિને ભાજપના અરુણાચલ એકમના અધ્યક્ષ તાપિર ગાઓને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. તે સોમવાર સવારથી જ ગુવાહાટીમાં છે, જ્યાં મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ તેમની સાથે મુલાકાત કરી હતી.
એનપીપીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, ‘જારપુમ, જારકર, કુમાર વાઈ અને ભાજપના ૧૨ ધારાસભ્યોએ એનપીપી મહાસચિવ થામસ સંગમા સાથે મુલાકાત કર્યા બાદ એનપીપીમાં જોડાવવાનો નિર્ણય કર્યો હતો.’