પૂર્વ ક્રિકેટર ગૌત્તમ ગંભીર આજે લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થઇ ગયા હતા. નાણામંત્રી અરુણ જેટલી અને રવિશંકર પ્રસાદની ઉપસ્થિતિમાં ગૌત્તમ ગંભીર વિધિવતરીતે ભાજપમાં જોડાતા હવે નવી દિલ્હી સીટ ઉપરથી ચૂંટણી મેદાનમાં ઉતરશે. ટિ્વટર ઉપર હંમેશા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ટિકા ગૌત્તમ ગંભીરે કરી છે. દિલ્હીમાંથી લોકસભા ટીકીટ મળી શકે છે. એવી અટકળો પણ છે કે, મિનાક્ષી લેખીની જગ્યાએ નવી દિલ્હી સીટ પરથી ચૂંટણી લડશે.
ગૌત્તમ ગંભીરે કહ્યું હતું કે, તેઓ જેટલી અને રવિશંકર પ્રસાદનો આભાર માને છે. તેમના કારણે સેવા કરવાની તક મળી રહી છે. વડાપ્રધાન મોદી અને તેમના દ્રષ્ટિકોણથી તે ખુબ જ પ્રભાવિત છે. ક્રિકેટ ટીમ માટે યોગદાન આપ્યા બાદ હવે દેશ માટે પણ કંઇ કરવાની ઇચ્છા છે. અરુણ જેટલીએ સિદ્ધૂ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, એક ક્રિકેટર એવા હતા જે પાકિસ્તાનના મિત્ર બની ગયા હતા. ગંભીરનો રેકોર્ડ આવો રહ્યો નથી. જેટલીએ કહ્યું હતું કે, દેશનું નેતૃત્વ અમારી પાર્ટીની પાસે છેઅને ભવિષ્યમાં પણ રહેશે. ગંભીર જેવા લોકના માધ્યમથી દેશહિતની તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ગૌત્તમ ગંભીર એક લોકપ્રિય નામ છે. રવિશંકરે કહ્યું હતું કે, ગૌત્તમ ગંભીર ભારત તરફથી ૫૮ ટેસ્ટ મેચ રમી ચુક્યા છે અને જંગી રન કર્યા છે. મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસ કામોથી પ્રભાવિત થયા છે. બીજી બાજુ ગંભીરે ચૂંટણી લડવાના પ્રશ્ને કોઇ પ્રતિક્રિયા આપી ન હતી પરંતુ જેટલીએ કહ્યું હતું કે, પાર્ટી કોઇપણ નિર્ણય કરશે ત્યારે સૂચના આપવામાં આવશે.
બીજી બાજુ રવિશંકર પ્રસાદે પણ આકરી પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા. વિરેન્દ્ર સહેવાગ અને ગૌત્તમ ગંભીર હંમેશા રાષ્ટ્રીય લહેર વચ્ચે પાકિસ્તાનને લઇને કઠોર પ્રતિક્રિયા આપતા રહ્યા છે. ગૌત્તમ ગંભીર આમા સૌથી આગળ રહ્યો છે.