સાબરકાંઠા પોલીસે લોકસભાની ચુંટણી ટાણે જ પેટચોળીને દુખાવો ઉભો કર્યો હોય એમ કોંગ્રેસી ગાયક કલાકારનો કાર્યક્રમ યોજતા જ ભાજપ વિરોધના મુડમાં આવી ગયુ છે. ભાજપ હવે પોલીસ તંત્રના વિરોધમાં ચુંટણી પંચ અને કલેકટરને પણ ફરીયાદ રજુઆત કરી કોઇ પણ ભોગે દલેર મહેંદીનો શો નહી યોજવા દેવા મક્કમ બન્યુ છે અને હવે ચુંટણી પહેલા ભાજપ માટે આ કાર્યક્રમએ આબરુનો સવાલ સમાન બની ગયુ છે.
એક તરફ આમ તો તંત્ર અને પોલીસ બંને લોકસભાની ચુંટણીને લઇને વ્યસ્ત બન્યા છે. ત્યાં સાબરકાંઠા પોલીસને કોંગ્રેસી ગાયક કલાકારને બોલાવીને ઇવેન્ટ યોજવાની નવરાશ મળી આવતા હવે વિવાદનુ ઘર બન્યુ છે. સાબરકાંઠા પોલીસે પોતાના સંચાલીત સુરક્ષા સેતુ સોસાયટીના બેનર હેઠળ આગામી ૩૦ મી માર્ચે હિંમતનગરમાં આવેલ એસપી કચેરીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ગાયક કલાકાર દલેર મહેંદીની સ્પેશીયલ ઇવેન્ટ યોજાનાર છે. આ માટે જિલ્લાભરમાં તમામ પોલીસ મથકે અને શહેરોમાં હોડ’ગ લગાવી પોલીસે શક્ય તમામ ભરપુર પ્રચાર માટે હાલ કમર કસવામાં લાગી ગઇ છે તો બીજી તરફ ઇવેન્ટ માટેના મોંઘી દાટ રકમના પાસ પણ પોલીસ સ્ટાઇલથી વિતરણ કરાતા લોકોમાં પણ મજબુરીએ પાસ લેવાનો કચવાટ વર્તાઇ રહ્યો છે. આ દરમ્યાન જ હવે ભાજપે પણ પોતાનો આકરો વિરોધ નોંધાવ્યો છે અને કોઇ પણ સંજોગોમાં પંજાબ કોંગ્રેસના નેતા એવા દલેર મહેંદીને ચુંટણી ટાણે આ કાર્યક્રમ યોજવા નહી દેવામાં આવે એવો વિરોધ નોંધાવ્યો છે. તો ભાજપનુ પણ માનવુ છે કે લોકસભાની ચુંટણી ટાણે જ આ કાર્યક્રમ યોજવા પાછળનો હેતુ પણ કોંગ્રેસને ફાયદાકારક સાબીત થઇ શકે છે આમ ભાજપે હવે આ કાર્યક્રમને રદ કરાવવા માટે એડીચોટીનુ જોર લગાવી દીધુ છે
આ મામલે ભાજપનાં સાબરકાંઠાના જિલ્લા પ્રમુખ જે.ડી.પટેલનું કહેવું છે કે, દલેર મહેંદીએ કોંગ્રેસનો છે એ સ્પષ્ટ છે અને તેની પર ક્રીમીનીલ ચાર્જીસ પણ લાગેલા છે આમ અમે સરકારી જગ્યામાં આવા કલાકારને અમે કોઇપણ રીતે કાર્યક્રમ ચુંટણી ટાણે યોજવા નહી દઇએ અને આ માટે ચુંટણી પંચ અને કલેકટરને પણ રજુઆત કરીશુ, આ આચારસંહિતાનો સ્પષ્ટ રીતે ભંગ છે.
દલેર મહેંદી પર હ્યુમન ટ્રાફીકીંગના ગુન્હામાં દોષીત થતા તેની સજા પણ બે વર્ષની ફરમાવેલી છે અને તે માટે હાલ પણ ઉપલી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસને પણ પોતાના જ નેતાનુ સરકારી આયોજનથી ચુંટણી ટાણે આગમન થવાને લઇને મન મલકાઇ ઉઠ્યુ છે. કોઇ પણ પ્રકારનાં ખર્ચાએ ચુંટણીના પ્રચાર સમયે જ કોંગ્રેસને પોતાના મોંઘાદાટ નેતા કમ કલાકારનો કાર્યક્રમ યોજાતા સિધો જ લાભ થવાની આશાએ કોંગ્રેસ પણ હવે આ મુદ્દે કોઇ ફોડ પાડવા માટે તૈયાર નથી. જ્યારે કોંગ્રેસ પ્રમુખે તો કાર્યક્રમનુ આમંત્રણ નહી મળ્યુ હોવાનુ કહી હાથ ખંખેરી ચુપકીદી સેવી લઇ આવકારતા હોવાની પણ જાહેરાત કરતા વિવાદના ભડકામાં જાણે કે તેલ રેડાયુ છે.
સાબરકાંઠા પોલીસના મુજબ આ કાર્યક્રમથી કોઇ જ આચાર સંહિતતાનો ભંગ થતો નથી અને આ માટે રાજકીય રીતે કોઇ જ વાત સ્ટેજ પરથી નહી કરવામાં આવે તેવો બચાવ કરાયો છે. જોકે આશ્વર્યની વાત એ છે કે આચારસંહિતા દરમ્યાન પણ હાલ સાબરકાંઠા પોલીસની સુરક્ષા સેતુ સોસાયટીના જ પાસ પણ લોકોને વિતરણ થઇ રહ્યા છે અને હોડ’ગસ પણ લગાવેલા છે. તો દલેર મહેંદીના સાબરકાંઠા પોલીસના ટ્વીટર હેન્ડલ પર શેર કરેલા વિડીયોમાં પણ દલેર ખુદ કહે છે કે આપના પગ થાકે નહી ત્યાં લગી શો ચાલુ રાખવામાં આવશે આમ આચારસંહીતામાં રાત્રીના દશ વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવાના કાયદાનુ પણ જાણે કે છડે ચોક ઉલ્લંધન સમાન જાહેરાત કરાઇ હોવાનો દાવો ગણાવાઇ રહ્યો છે.