ગાંધીનગર લોકસભા પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધારાસભ્ય ડો. સી. જે. ચાવડા લગભગ નિશ્ચિત મનાય છે. એક સમયે મુખ્યમંત્રી કાર્યલાયમાં ઓએસડી રહેલા ક્લાસ-વન ઓફિસર ચાવડા સરકારી નોકરીમાંથી રાજીનામુ આપી રાજકારણમાં જોડાયા હતા. ગોઝારિયા પાસે આવેલા વસાઈ- ડાભલાના ચાવડાની સાસરી વિજાપુરના પિલવાઈ ગામમાં થાય છે. અમિત શાહના પત્નીનો પરીવાર પણ પિલવાઈ ગામનો છેઆ નિસબતે એક જ ગામના જમાઈ ચૂંટણીમાં આમને સામને આવશે. અમિત શાહનું મુળ વતન માણસા છે. આ દરબારી ગામ પણ સી.જે.ચાવડાના સમાજનું ગામ છે.
ગાંધીનગર- મહેસાણા જિલ્લાના સામાજિક- રાજકિય વર્તુળોમાં આ બંને વચ્ચેના ગામપેટે સાઢુભાઈના સંબંધો હવે રાજ્ય અને દેશના ફલક પર સામસામે આવ્યા છે. જો કે, આ બંનેના ગામ અને સાસરીના મતદારો મહેસાણા લોકસભા હેઠળ આવતા હોવાથી પોતાના જમાઈઓને મત આપી શકશે નહી.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઓગસ્ટ ૨૦૧૭માં રાજ્યસભામાં ચૂંટાયા બાદ નારાણપુરાના ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યુ હતુ. લોકસભા ચૂંટણીમાં તેમના નામની જાહેરાત બાદ ૨૮ માર્ચ પછી અમિત શાહ ગુજરાત આવશે. ઉમેદવારી ફોર્મ ભરતી વેળાએ અમદાવાદથી ગાંધીનગર સુધી રોડ-શો યોજવાની તૈયારી કરી રહેલા પ્રદેશ ભાજપના નેતાઓએ કહ્યુ કે, રાષ્ટ્રીય અધ્યક્ષ પાસે દેશભરની જવાબદારી છે. ફોર્મ ભરાયા બાદ ભાજપના કાર્યકરો જ સ્વંય અમિત શાહ થઈને ચૂંટણી પ્રચાર કરશે.
નરેન્દ્ર મોદી આ વખતે ગુજરાતમાંથી ચૂંટણી નહી લડે તે પહેલાથી જ સ્પષ્ટ હતુ. આ સ્થિતિમાં રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ સ્વંય લોકસભાની ઉમેદવારી તરીકે ઉતરે તો ગુજરાત ભાજપ સંગઠનમાં ઉત્સાહનો માહોલ છવાય તેવી લાગણી પ્રદેશ નેતૃત્વની હતી. તેથી અમદાવાદ- ગાંધીનગરને સમાવતા લોકસભા મતક્ષેત્રમાં ઉમેદવારી થકી સમગ્ર ગુજરાત અને તેમાંય ઉત્તર ગુજરાતના કાર્યકરો બમણાં જોશથી ચૂંટણીકાર્યમાં જોતરાશે એમ કહેવાય છે.