પિત્રોડાના નિવેદન બદલ રાહુલ માફી માંગે : શાહે કરેલ માંગણી

405

પુલવામા ત્રાસવાદી હુમલાને રુટિન એટેક તરીકે ગણાવનાર કોંગ્રેસી નેતા શામ પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસની મુશ્કેલી વધી ગઈ છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજે પત્રકાર પરિષદ યોજીને રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. અમિત શાહે શામ પિત્રોડાના નિવેદન ઉપર રાહુલની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના સભ્યોના નિવેદન પર દેશની પ્રજાની માફી માંગે તે જરૂરી છે. દેશના શહીદોનું અપમાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અમિત શાહે કહ્યું હતું કે, શહીદોના પરિવાર અને જનતાની રાહુલે માફી માંગવી જોઇએ. માત્ર શામ પિત્રોડાના નિવેદનથી પીછેહઠ કરવાથી કામ ચાલશે નહીં. દેશની જનતા તેમની નીતિને સમજે છે. આજ કારણસર કોંગ્રેસે તેમના નિવેદનથી પીછેહઠ કરવાની તૈયારી દર્શાવી છે પરંતુ આનાથી કામ ચાલશે નહીં. કોંગ્રેસ પાર્ટીમાં વિદેશ વિભાગના કો-ઓર્ડિનેટર અને ચૂંટણી ઘોષણાપત્ર સમિતિના સભ્ય શામ પિત્રોડાનું જે નિવેદન આવ્યું છે તે ખુબ ચિંતાઓને જન્મ આપે છે.

શાહે કહ્યું હતું કે, પિત્રોડાએ એવું નિવેદન આપ્યું છે કે, કેટલાક લોકોની હરકત પર સમગ્ર દેશને દોષિત ઠેરવી શકાય નહીં. આના ઉપર રાહુલ ગાંધીને સ્પષ્ટતા કરવી જોઇએ કે તેઓ આતંકવાદી ઘટનાઓને લઇને પાકિસ્તાનને જવાબદાર ગણતા નથી. રાહુલને એમ પણ કહેવું જોઇએ કે, પિત્રોડાની વાતચીતથી ત્રાસવાદનો સામનો કરવાની બાબત પર તેમની નીતિ શું છે. રાહુલે એવી સ્પષ્ટતા કરવી જોઇએ કે, પુલવામા જેવા હુમલાને તેઓ સામાન્ય ઘટના ગણે છે. ભાજપ પ્રમુખે કહ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઇકના સમયે રાહુલ ગાંધીએ ખુનની દલાલીની વાત કરી હતી. હવે એરસ્ટ્રાઇક ઉપર પણ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. દેશની જનતાની માફી માંગવી જોઇએ. અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસના આ નિવેદનથી શહીદોનું અપમાન થયું છે. દેશના નૈતિક જુસ્સાને નુકસાન પહોંચાડવાના પ્રયાસ કોંગ્રેસી નેતા કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષે પણ ૭મી માર્ચના દિવસે કહ્યું હતું કે, એર સ્ટ્રાઇક ઉપર ઉઠી રહેલા પ્રશ્નોના જવાબ મળવા જોઇએ. સવાલ કોઇ ઉઠાવી રહ્યા છે તે અંગે પણ ખુલાસો કરવો જોઇએ. પરોક્ષરીતે કોનું સમર્થન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ તરફથી પિત્રાડોના નિવેદનને અંગત તરીકે ગણાવવાના મુદ્દે અમિત શાહે કહ્યું હતું કે, રાજનીતિમાં કોઇ અંગત નિવેદન હોતા નથી. ક્યારેક ચિદમ્બરમ, ક્યારેક કપિલ સિબ્બલ, નવજોત સિદ્ધૂ, મણિશંકર અય્યર અને સંદીપ દિક્ષિત જેવા લોકો વારંવાર વ્યક્તિગત નિવેદનો આપતા રહે છે. રાહુલ ગાંધીની રણનીતિનો આ એક હિસ્સો રહ્યો છે.

Previous articleગુરૂગ્રામમાં ‘પાકિસ્તાન જતા રહો’ ની ધમકી સાથે મુસ્લિમ પરિવાર પર હુમલો
Next articleમમતા શાસનમાં અત્યાચાર વધ્યો છે : રાહુલ ગાંધીના આકરા પ્રહારો