ભાવનગર શહેર અને જીલ્લામાં અપમૃત્યુનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. આજે ભાવનગરની સગીરા અને આણંદપરની યુવતિના ઝેરી દવા પી લેતા મોત થવા ઉપરાંત બાઈક સ્લીપ થતા તળાજા તાલુકાના મેથળા ગામના આધેડનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
અપમૃત્યુના બનાવોમાં શહેરના કાળીયાબીડના હરીઓમ નગરમાં રહેતા સંજયભાઈ સુતરીયાની ૧પ વર્ષીય સગીરાવયની પુત્ર મનસ્વીબેને તેના ઘરે કોઈ કારણોસર અનાજમાં નાખવાની ટીકડીઓ ખાઈ લેતા તેણીને ગંભીર હાલતે સર.ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ જયાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.
જયારે વલભીપુર તાલુકાના આણંદપર ગામે રહેતા ભુપતભાઈ મેરની યુવાન પુત્રી હિરલબેન (ઉ.વ.૧૮)એ તેના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેણીને ગંભીર હાલતે અત્રેની સર.ટી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાતા સારવાર દરમ્યાન તેનું મોત નિપજયું હતું. આ ઉપરાંત તળાજા તાલુકાના મેથળા ગામે રહેતા હિંમતભાઈ બદુભાઈ બારૈયા (ઉ.વ.૪પ)તેનું બાઈક લઈને જઈ રહ્યા હતાં. ત્યારે ચલાલા નજીક બાઈક સ્લીપ થતા તેને ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં. જયાં સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજયું હતું.