દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે દાવો કર્યો હતો કે વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં જો ભાજપ વિજયી નીવડશે અને કેન્દ્રમાં સરકાર બનાવશે તો નરેન્દ્ર મોદી કાયમ માટે દેશના વડા પ્રધાન બની જશે કેમ કે વર્ષ ૨૦૧૯-૨૦ પછી દેશમાં ચૂંટણીઓ જ નહીં યોજાય. દેખીતી રીતે જ દેશ પર લોકશાહીના અંતનું જોખમ તોળાઈ રહ્યું હોવાનો ભય ફેલાવતા કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે મોદી સરકાર દેશ ચલાવવા જર્મનીના સરમુખત્યાર ઍડોલ્ફ હિટલરે અજમાવેલી તરકીબો જ અજમાવી રહી છે. આક્ષેપ કરતી વખતે કેજરીવાલે ભગવા પક્ષને પરાજિત કરવાની લોકોને અપીલ કરી હતી.
આજે પ્રત્યેક દેશભક્તનું એક જ લક્ષ્ય અને આશય હોવો જોઈએ અને તે એ કે કોઈપણ ભોગે મોદી સરકારને ફરી સત્તા પર આવતી અટકાવવાનો, એમ તેમણે કહ્યું હતું.
વર્ષ ૨૦૧૯માં જો ભાજપ સત્તા પર આવશે તો મોદી કાયમ માટે વડા પ્રધાન બની જશે કેમ કે ત્યાર બાદ દેશમાં ચૂંટણીઓ જ નહીં યોજાય, એમ તેમણે કહ્યું હતું.