રાહુલ ગાંધી દ્વારા ગરીબ પરિવારોના ખાતામાં ૭૨૦૦૦ રૂપિયા જમા કરવાની જાહેરાતને લઇને જુદી જુદી પ્રતિક્રિયાઓ આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી અને દેશના કેટલાક લોકોએ આને હાસ્યાસ્પદ તરીકે ગણાવીને ઝાટકણી કાઢી છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ લોકોનું કહેવું છે કે, દેશમાં મોટાભાગે કોંગ્રેસનું શાસન રહ્યું છે. ઇન્દિરા ગાંધીએ પણ ગરીબી હટાવો માટેની જાહેરાત કરી હતી પરંતુ સ્વતંત્રતાના આટલા વર્ષો બાદ પણ કોંગ્રેસ પાર્ટીને સફળતા મળી ન હતી. આડેધડ વચનો આપવાની કોંગ્રેસની પરંપરા રહી છે. ભાજપના વરિષ્ઠ નેતાઓએ કોંગ્રેસની આ જાહેરાતને સ્પષ્ટપણે ફગાવી દઇને તેને હાસ્યાસ્પદ ગણાવી છે. ભાજપના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી રામ માધવે કહ્યું છે કે, જ્યારે કોઇ વ્યક્તિને તેમની હાર સ્પષ્ટ દેખાઈ આવે છે ત્યારે આ પ્રકારના વચનો આપી શકાય છે. રામમાધવે કહ્યું હતું કે, હાર નિહાળી ચુકેલા લોકો ચંદ્રનું વચન પણ આપી શકે છે. આ પ્રકારના વચનને ગંભીરતાથી કોણ લોકો લેશે. જુદી જુદી સ્કીમો પહેલાથી જ ચાલી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ગરીબીની રેખાનીચે રહેલા ભારતીયોની સંખ્યા ઉલ્લેખનીયરીતે ઘટી રહી છે. વસતીના પાંચ ટકાથી પણ વધુ ઘટી ગઈ છે.
આવી સ્થિતિમાં રાહુલ ગાંધીના વચનો આધાર વગરના દેખાઈ રહ્યા છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટિ્વટર ઉપર ભાજપે આને હાસ્યાસ્પદ ગણાવીને ટિકા કરી હતી. ભાજપે ૧૨૦ મિલિયન અથવા તો ૧૨ કરોડ ગરીબ ખેડૂતોને વર્ષે ૬૦૦૦ રૂપિયા રોકડ આપવાની શરૂઆત કરી દીધી છે. ગયા મહિનામાં જ મધ્યમ વર્ગ માટે ટેક્સમાં કાપ પણ મુકવામાં આવ્યા છે. ગરીબો માટે સસ્તી આરોગ્ય વિમા યોજના શરૂ થઇ છે.
આ સ્કીમને વધુ સાવચેતીપૂર્વક તૈયાર કરવાની જરૂર હોવાનો મત નિષ્ણાતોએ પણ આપ્યો છે. જંગી રોકડ ટ્રાન્સફર સ્કીમ આવક વધારવામાં ભૂમિકા ભજવી શકે છે. આ પ્રકારની યોજના લાંબાગાળે ટકી શકે તે માટે ખુબ જ સાવચેતીથી તૈયાર કરવાની જરૂર છે.