સેંસેક્સ ૪૨૫ પોઇન્ટ ઉછળીને આખરે બંધ રહ્યો

435

સતત બે દિવસ સુધી ઘટાડો રહ્યા બાદ શેરબજારમાં આજે ફરીવાર તેજી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૪૨૫ પોઇન્ટ અથવા તો ૧.૧૨ ટકા સુધરીને ૩૮૨૩૩ની સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ૧૨૯ પોઇન્ટ અથવા તો ૧.૧૪ ટકા ઉછળીને ૧૧૪૮૩ની સપાટએ રહ્યો હતો. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને બેંકના શેરો જેવા બ્લુચીપ કાઉન્ટરો ઉપર જોરદાર લેવાલી જામી હતી. એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી, યશ બેંક અને એક્સિસ બેંકના શેરમાં તેજી જામી હતી. નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૧૦૧ પોઇન્ટનો ઉછાળો નોંધાતા તેની સપાટી ૨૯૮૮૨ રહી હતી. તેમાં ૧૨ શેરમાં તેજી રહી હતી. માર્કેટ બ્રીડ્‌થ પણ તેજીમાં રહેતા આજે કારોબારમાં ૨૮૫૮ કંપનીઓ પૈકીના ૧૪૦૩ કંપનીઓના શેરમાં તેજી અને ૧૨૯૦ શેરમાં મંદી રહી હતી. બ્રોડર માર્કેટમાં મિડકેપ ઇન્ડેક્સમાં ૧૬૩ પોઇન્ટન ઉછાળો રહ્યો હતો જેથી તેની સપાટી ૧૫૦૭૯ રહી હતી. આવી જ રીતે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૯૬ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૬૮૪ રહી હતી. આરઆઈએલના શેરમાં આજે ૩.૧૬ ટકાનો ઉછાળો રહ્યો હતો. જેટ એરવેઝના શેરમાં પણ છ ટકાનો ઉછાળો નોંધાયો છે. આઈટીના શેર સિવાય તમામ સેક્ટરલ ઇન્ડેક્સમાં તેજી રહી હતી. ગુરૂવારના દિવસે માર્ચ સિરીઝમાં ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટનો ગાળો પૂર્ણ થનાર છે. એપ્રિલ સિરિઝ માટે રોકાણકારો રોલઓવર માટે તૈયાર છે. નિફ્ટી ફ્યુચર શુક્રવારના દિવસે ૧૧૩૭૮ની સપાટીએ રહ્યો હતો. બે મહત્વપૂર્ણ ડેટા પણ જારી કરવામાં આવનાર છે. ફેબ્રુઆરી મહિના માટે ફિઝલ ડેફિસીટના ડેટા અને ઈન્ફ્રાસ્ટ્રકચર આઉટપુટના આંકડા જારી કરવામાં આવનાર છે. આઠ ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટર કોલસા, ક્રુડ, નેચરલ ગેસ, રિફાઈનરી, ફર્ટિલાઈઝર્સ, સ્ટીલ, સિમેન્ટ અને ઈલેકટ્રિસિટીને લઈને કોર સેકટરના આંકડા જારી કરવામાં આવનાર છે.

જાન્યુઆરી મહિનામાં તેમાં વધારો ૧.૮ ટકા સુધીનો રહ્યો હતો. ક્રુડની કિંમતમાં ઘટાડો રહ્યો હતો. રિફાઈનરી પ્રોડક્ટ્‌સ અને ઈલેકટ્રિસિટીમાં ઘટાડો રહ્યો હતો. દેશના ચોથા ત્રિમાસિક ગાળાના વિદેશી દેવા અને વર્તમાન ખાતાકીય ડેટાના આંકડા પણ મહત્વપૂર્ણ છે. અમેરિકા અને ચીન વચ્ચેની ઉચ્ચસ્તરીય મંત્રણા પણ યોજાનાર છે. આ મંત્રણા ગુરૂવારના દિવસે થશે. બંને દેશો વેપાર સંબંધિત મતભેદોને દુર કરવા માટે આશાવાદી છે. વેપાર મંત્રણા ઉપર વૈશ્વિક બજારોની નજર કેન્દ્રિત થઈ છે. ક્રુડની કિંમતોની અસર પણ દેખાશે.વિદેશી મૂડીરોકાણકારોએ હજુ સુધી માર્ચ મહિનામાં સ્થાનિક મૂડી માર્કેટમાં ૩૮૨૧૧ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. સુધરી ગયેલી વૈશ્વિક લિક્વિડિટીની સ્થિતિ વચ્ચે વિદેશી મૂડીરોકાણકારો દ્વારા જંગી નાણાં ઠાલવવામાં આવ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં વિદેશી મૂડીરોકાણકારોએ મૂડી માર્કેટ ડેબ્ટ અને ઈક્વીટીમાં મળીને ૧૧૧૮૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા. જાણકાર લોકોનું કહેવું છે કે મોનિટરીંગ પોલિસી આઉટલૂક ઉપર આને સીધી અસર થનાર છે. નવેસરના આંકડા મુજબ વિદેશી મૂડીરોકાણકારોએ પહેલી માર્ચથી લઈને ૨૨મી માર્ચ વચ્ચેના ગાળામાં ઈક્વિટીમાં ૨૭૪૨૪.૧૮ કરોડ રૂપિયા ઠાલવ્યા છે.શેરબજારમાં ગઇકાલે સોમવારના દિવસે જોરદાર કડાકો બોલી ગયો હતો. કારોબારના અંતે વેચવાલી વચ્ચે સેંસેક્સ ૩૫૬ પોઇન્ટ ઘટીને ૩૭૮૦૯ની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૦૩ પોઇન્ટ ઘટીને ૧૧૩૫૪ની નીચી સપાટીએ રહ્યો હતો.

Previous articleજેટ એરવેઝ કંપનીને દેવાથી બચાવી લેવા માલ્યાનું સૂચન
Next articleમહિલાના હત્યાની કોશિશની ઘટનાનો પર્દાફાશ, પતિ, પ્રેમિકા અને કોન્ટ્રાક્ટ કિલરની ઘરપકડ