ઉત્તરપ્રદેશની રાજનીતિમાં ઝડપથી ફેરફારો થઇ રહ્યા છે. બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી જયા પ્રદા આજે વિધિવતરીતે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ગઈ હતી. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હતો. જયાપ્રદાને રામપુરમાંથી વર્ષ ૨૦૦૪માં સમાજવાદી પાર્ટીમાંથી કોંગ્રેસની બેગમનૂર બાનૂની સામે મેદાનમાં ઉતારવામાં આવી હતી. સાથે સાથે અહીંથી જયાપ્રદાએ જીત પણ મેળવી હતી. ભાજપમાં સામેલ થયા બાદ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, એમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કામ કરવાની તક મળી રહી છે જે તેમના માટે સૌભાગ્યની બાબત છે. પોતાના જીવનના દરેક પળને સમર્પિત કરીને ભાજપ માટે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સમાજવાદી પાર્ટીમાંથી આઝમ ખાન રામપુરમાંથી ચૂંટણી લડી રહ્યા છે. જયા પ્રદા ભાજપમાં સામેલ થતા પાર્ટીને મોટી રાહત થઇ છે. હવે પાર્ટી જયા પ્રદાને સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમ ખાનની સામે ચૂંટણી મેદાનમાં ઉતરનાર છે. આ અંગેની જાહેરાત સત્તાવાર રીતે હવે કરવામા ંઆવનાર છે. રામપુરમાંથી આઝમ ખાનની સામે જયા ઉમેદવાર રહેનાર છે. રાજકીય પંડિતોના કહેવા મુજબ જો જયા પ્રદાને ભાજપ મેદાનમાં ઉતારે છે તો સ્પર્ધા રોમાંચક બની શકે છે. પોતાના સમયની લોકપ્રિય અભિનેત્રી જયા પ્રદાનુ અસલી નામ લલિતા રાની છે. ફિલ્મોમાં આવ્યા બાદ તે લલિતા રાનીથી જયા પ્રદા બની ગઇ હતી. ત્રીજી એપ્રિલ ૧૯૬૨ના દિવસે જન્મેલી જયા પ્રદા લાંબા સમયથી રાજનીતિમાં રહી છે. આંધ્રપ્રદેશના રાજાહમુંડરી જિલ્લામાં તેમનો જન્મ થયો હતો. વર્ષ ૧૯૯૪માં જયા પ્રદાએ સૌથી પહેલા તેલુગુ દેશમ પાર્ટી જોઇન કરી હતી. ત્યારબાદ અમરસિંહ મારફતે સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. હવે સમાજવાદી પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં સામેલ થયા છે. જયા પ્રદા અને આઝમ ખાન વચ્ચે જુની અદાવત રહેલી છે. જ્યારે સમાજવાદી પાર્ટીમાં જયા હતા ત્યારે પણ તેમની બનતી ન હતી. આઝમ ખાન પર તેજાબ હુમલો કરવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. જયા પ્રદા રામપુરમાં પહેલાથી જ લોકપ્રિયતા ધરાવે છે. બીજી બાજુ આઝમ ખાન પણ રામપુરમાં શક્તિશાળી નેતા તરીકે છે. તેમની છાપ એક કટ્ટર ભાજપ વિરોધી તરીકે રહેલી છે. સમાજવાદી પાર્ટીમાં રહેવાના ગાળા દરમિયાન આઝમ ખાને અમરસિંહના કહેવા પર રામપુરમાંથી ૨૦૦૪માં લોકસભા ચૂંટણી જયાપ્રદાને લડાવીને જીતાડી હતી પરંતુ બંનેની રાજકીય દોસ્તી હવે દુશ્મનીમાં ફેરવાઈ ચુકી છે. ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રહીને આઝમ ખાને જયાપ્રદાનો વિરોધ કર્યો હતો પરંતુ જયાપ્રદાની જીત થઇ હતી. વર્તમાન કેબિનેટ મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની એ ચૂંટણીમાં જમાનત જપ્ત થઇ ગઇ હતી. જયાની જીત બાદ આઝમ ખાનનું નિવેદન બદલાઈ ગયું હતું. જયાપ્રદાને અનેક વખત નાચનાર કલાકાર તરીકે કહી ચુક્યા છે. તેમનું કામ ફિલ્મોમાં છે રાજનીતિમાં નથી તેવી વાત અનેક વખત કરી ચુક્યા છે. આઝમ ખાન અને જયા વચ્ચે ખેંચતાણની બાબતો વર્ષો જુની રહેલી છે.