રામમંત્ર મંદિર કાળીયાબીડ પાસે આવેલ વશિષ્ઠ આશ્રમ ખાતે આજથી વરતેજના જાણીતા કથાકાર શાસ્ત્રી ભોળનાથના વ્યાસાસને ભાગવત સપ્તાહનું આયોજન થયેલ છે. વશિષ્ઠ આશ્રમના મહંત ઓલિયા બાપુના ગુરૂ વશિષ્ઠ દાસજીની ૩૬મી પુણ્યતિથિ નિમિત્તે આ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. આજે બપોરે ૩-૦૦ કલાકે જયદેવસિંહ અમરસિંહ ગોહિલના નિવાસ ઈસ્કોન મેગા સીટી ખાતેથી પોથીયાત્રા વાજતે-ગાજતે બેન્ડવાજા સાથે વશિષ્ઠ આશ્રમ ખાતે પહોંચશે. દરરોજ કથા શ્રાવણનો સમય સવારે ૯ થી ૧ર તથા બપોરે ૩ થી ૬ રહેશે. અને કથાની પુર્ણાહુતિ ૩ એપ્રિલ બુધવારે સાંજે ૪ કલાકે થશે. આ ભાગવત સપ્તાહ દરમિયાન કપિલ જન્મ, નરસિંહ જન્મ, વામન જન્મ, રામ જન્મ, કૃષ્ણ જન્મ, ગોવર્ધન પુજા, રૂકમણી વિવાહ વગેરે પ્રસંગોનું આયોજન કરવામાં આવેલ છે. વશિષ્ઠ આશ્રમ ખાતે રામજી મંદિરના વિશાલ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે નવનિર્મિત મનદીરના નિર્માણ સૌજન્ય રૂપે આ કથા યોજાઈ રહી છે. વશિષ્ઠ આશ્રમના મહંત પ્રેમદાસબાપુ અને ઓલિયા બાપુએ વધુમાં વધુ ભક્ત સમુદાય આ કથા શ્રાવણનો લાભ લે તેવું તમામ ભક્તજનોને અનુરોધ કરાયો છે. કથાના તમામ દિવસો દરમિયાન ભકતજનોને ભોજન પ્રસાદ ગ્રહણ કરવા માટે ૧રઃ૦૦ પધારવા માટે પણ ખાસ આમંત્રણ પાઠવાયું છે. સમગ્ર કથાના આયોજનમાં વશિષ્ઠ આશ્રમ સેવક સમુદાય તથા જોડેશ્વર મહાદેવ પરિવારના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. દરરોજ રાત્રિના ૯-૦૦ કલાકે સુપ્રસિદ્ધ કલાકારો અને નામી-અનામી ભજનીકો દ્વારા સંતવાણીનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવેલ છે.