વિશ્વ ટીબી દિવસની ઉજવણીના ભાગરૂપે તાલુકા હેલ્થ ઓફિસ ધંધુકા અને જીલ્લા ક્ષય કેન્દ્ર અમદાવાદના સંયુકત ઉપક્રમે ધંધુકા તાલુકા હેલ્થ ઓફિસ ખાતેથી જન જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીને લીલીઝંડી તાલુકા હેલ્થ ઓફિસર ડો. દિનેશ પટેલ દ્વારા બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ટીબીના રોગ વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે વિવીધ સુત્રોચાર કરવામાં આવ્યા હતાં. અને ટીશર્ટ, ટોપીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસ ખાતે ટીબી અંગે જન જાગૃતિ ફેલાય તે માટે શિબિરનું પણ આયોજન કરવામાં આવેલ અને આજ સમય છે. ટીબીનો અંત લાવવાનો, આજે આપણા રાજયને ટીબીમુકત કરીએ જે બ સુત્રો અંગે વિગત પર સમજણ આપવામાં આવેલ. આ પ્રોગ્રામમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. દિનેશ પટેલ, ડો. રાકેશ ભાવસાર, ડો. સિરાજ દેસાઈ, ડો. રીયાઝ ઝુલાખ, ડો. યોગેન્દ્ર રાઠોડ, આરોગ્ય સ્ટાફ, ટી.બી. સુપરવાઈઝર સહિત મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. વધુમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. દિનેશ પટેલ જણાવ્યું હતું કે ટીબી દર્દીના ગળફા અને શ્વાસોશ્વાસ દ્વારા ટીબીના જીવાણુઓ હવામાં ફેલાય છે અને આ દુષીત હવા શ્વાસમાં લેવાથી તંદુરસ્ત વ્યક્તિને ટી.બી.નો ચેપ લાગવાની શક્યતા રહે છે. સતત બે અઠવાડીયાથી વધુ સમયથી ખાંસી આવતી હોય તેવા વ્યક્તિને ટીબી હોઈ શકે છે. જેથી નજીકના આરોગ્ય કેન્દ્રમાં ગળફાની તપાસ કરાવવી જોઈએ.