સરકારનાં ભગીરથ પ્રયાસો થકી લોકમાતા નર્મદા નદી પર સરદાર સરોવર ડેમનું કામ પૂર્ણ થતા સરદાર વલ્લભભાઈ પટેલનું સપનુ સાકાર થયુ છે. તાજેતરમાં ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. આ યોજના પૂર્ણ થતા ગુજરાતનો વિકાસ વધુ ઝડપી બનશે, તેમ ઉના તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં નર્મદા રથયાત્રામાં સહભાગી થઈ સંસદિય સચિવ જેઠાભાઈ સોલંકીએ જણાવ્યુ હતુ.
ઉના તાલુકાનાં નર્મદા નીર મેળવતા મોટા ડેસર, એલમપુર, લામધાર, શાહ ડેસર સહિતના ગામોમાં ગઈકાલ બપોર બાદ અને આજે સવારથી મઘરડી, ભેભા,કાજરડી, ભીંગરણ, કોબ, પાલડી સહિતના ગામોમાં નર્મદા રથ યાત્રામાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી શાળાના બાળકો સાથે નર્મદા મૈયાની આરતી-પૂજન કર્યા હતા. નર્મદા નીર થકી પાણી મેળવતા આ ગામના લોકોમાં નર્મદા રથને આવકારવા ઉમંગ ઉત્સાહ હતો. ઉનાળાના દિવસોમાં પાણીની ઘટ પડે ત્યારે આ ગ્રામજનો માટે નર્મદાના નીર આશીર્વાદરૂપ બને છે.