રાજ્યમાં વધી રહેલા અકસ્માતો ચિંતાનું કારણ બન્યું છે, ત્યારે વધુ એક અકસ્માત સુરત નેશનલ હાઇવે પર મોડી સાંજે બન્યો હતો. આ ગોજારા અકસ્માતમાં કોઇ જાનહાનિના અહેવાલ મળી શક્યા નથી. સુરત નેશનલ હાઇવે ઉપર મિલિટરીની જીપ લઇ જતા ટ્રેલરમાં અચાનક આગ લાગી હતી.
આગના પગલે ટ્રેલરમાં લોડ કરેલી મિલિટરીની સેમી વેહિકલ જીપ આગની ઝપેટમાં આવી ગઇ હતી. જોત જોતામાં જીપ બળીને ખાખ થઇ ગઇ હતી.
આ ઘટનાની જાણ પોલીસ અને ફાયરને કરાતા ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. આગના પગલે અમદાવાદ મુંબઇ હાઇવે ઉપર ટ્રાફિક જામ થયો હતો.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરત હાઇવે પર મહુવેજ પાટીયા પાસે મિલિટરીની જીપને લઇને એક ટ્રેલર પસાર થઇ રહ્યું હતું. તે સમયે ટ્રેલરમાં કોઇ કારણસર આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે, ફાયરનો કાફલો પહોંચે તે પહેલા જીપ બળીને ખાખ થઇ ગઇ હતી.
આગની જાણ થતાં બે ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં ટ્રેલરમાં રહેલી જીપમાં આગ શેના કારણે લાગી તેનું કારણ જાણી શકાયું નથી.