ખરાબ વાતાવરણ કે અન્ય કોઈપણ ટેક્નિકલ કારણસર ટ્રેન મોડી પડશે અને જો રેલ પ્રવાસીની ત્યાર પછીની કનેક્ટિંગ ટ્રેન છૂટી જશે તો રેલ પ્રવાસીને ટિકિટના પૂરી રકમ પરત આપવામાં આવશે. આ અગાઉ એક ટ્રેન મોડી પડે અને બીજી કનેક્ટિંગ ટ્રેન છૂટી જાય તો પ્રવાસીને રિફંડ મળતું ન હતું,પરંતુ હવે ૧લી એપ્રિલથી રેલ પ્રવાસીઓને આ રાહત મળશે. પ્રવાસીઓ અને મુસાફરોના હિત અને તેમના આર્થિક નુકસાનની બાબતને ધ્યાનમાં રાખીને રેલ્વે તંત્ર દ્વારા આ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. રેલ્વે તંત્રના આ નિર્ણયને પગલે લાખો મુસાફરો અને પ્રવાસીઓમાં ખુશીની લાગણી પ્રસરી છે. જો કે, આ સુવિધા મેળવવા માટે પ્રવાસીઓએ તેની બંને ટિકિટના પીએનઆર લિંક કરી દેવાં પડશે. એરલાઇન્સના નિયમોને અનુસરીને રેલવેએ પણ આ નિર્ણય લેતાં પ્રવાસીઓને નાણાકીય નુકસાન નહીં થાય. રેલવે તંત્રના જણાવ્યા મુજબ, જો કોઈ પ્રવાસી કોઈ ચોક્કસ સ્થળની ટિકિટ ખરીદે છે અને ત્યાંથી તેને બીજી કનેક્ટિંગ ટ્રેન પકડવાની હશે તો તેણે સૌ પ્રથમ તેની બંને ટિકિટના પીએનઆર લિંક કરવાં પડશે. આના માટે તે સ્ટેશન ઉપરથી પણ મદદ મેળવી શકશે.
હવે કોઈ કારણસર તેની પહેલી ટ્રેન મોડી પડશે અને બીજી ટ્રેન છૂટી જશે કે જે ટ્રેનમાં તેને મુસાફરી કરવાની બાકી છે તે બીજી ટ્રેન ટિકિટનાં પૂરાં નાણાં પરત મળશે. સાથે સાથે રેલ પ્રવાસીઓ માટે બીજા મહત્વના સમાચાર એ છે કે, છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ ઉદયપુર ટ્રેન બંધ કરવામાં આવી હતી. આ ટ્રેક પર મીટરગેજ લાઇનનું બ્રોડગેજ લાઈનમાં રૂપાંતર કરવામાં આવી રહ્યું હતું. હવે આ કામગીરી પૂરી થઈ જતાં અમદાવાદથી ઉદયપુરની ટ્રેન ટૂંકમાં શરૂ થશે. જેને પગલે આ ટ્રેકના મુસાફરોને ઘણી રાહત થઇ છે.