વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૫મી એપ્રિલના દિવસે વારાણસી પહોંચશે. ત્યારબાદ એજ દિવસે લંકાથી દશાશ્વમેઘ ઘાટ સુધી ૧૦ કિલોમીટર વિસ્તારમાં રોડ શો થનાર છે. આગામી દિવસે મોદી બાબા વિશ્વનાથ મંદિરમાં દર્શન કરશે. ત્યારબાદ વારાણસી સંસદીય સીટ પરથી ઉમેદવારી પત્ર દાખલ કરનાર છે. તે પહેલા વર્ષ ૨૦૧૪માં પણ મોદીએ વારાણસીમાંથી ઉમેદવારી પત્ર ભરતા પહેલા વિશાલ રોડ શો યોજીને તમામને પ્રભાવિત કર્યા હતા. દેશના સાંસ્કૃતિક પાટનગર તરીકે વારાણસીમાં રાજકીય તાપમાન સતત વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વારાણસી લોકસભા બેઠક પરથી ચુંટણી મેદાનમાં છે. જ્યારે વિપક્ષે હજુ સુધી પોતાના પત્તા ખોલ્યા નથી. ભાજપના ઉચ્ચ સ્તરીય સૂત્રોના કહેવા મુજબ મોદીના ઉમેદવારીપત્રોને લઈને જોરદાર તૈયારીઓ ચાલી રહી છે.
વારાણસી એકવાર ફરી ઉત્તરપ્રદેશના રાજકીય તાપમાનનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. ગંગાની શાંત પાણીની ધારાના કિનારે રાજકીય લહેરો જોવા મળી રહી છે. અહીંની લોકસભા બેઠક પર પહેલાથી લઈને હજુ સુધી તમામ ચુંટણીઓ રોમાંચક રહી છે. જ્યારે આ સીટ પ્રદેશમાં જ નહીં બલ્કે દેશમાં કોંગ્રેસના મજબૂત ગઢ તરીકે હતી પરંતુ આરએસએસની જોરદાર પક્કડના પરિણામ સ્વરૂપે હવે આ બેઠક ભારતીય જનતા પાર્ટીના મુખ્ય સ્થળ તરીકે બની ગઈ છે. વારાણસીના મતદારોને બહારના ઉમેદવારો પર ક્યારેય પણ પ્રેમનો વરસાદ કરવામાં કમી રાખી નથી. વારાણસીના ન હોવા છતાં દિગ્ગજ કોમ્યુનિસ્ટ નેતા સત્યનારાયણસિંહ, અનિલ શાસ્રી, શ્રીચંદ દિક્ષિત, મુરલી મનોહર જોશી અને વડાપ્રધાન આ બેઠક પરથી જીતતા રહ્યા છે. હવે નરેન્દ્ર મોદી ફરી એકવાર આ બેઠક પરથી ઉમેદવાર તરીકે છે. મોદી સામે મેદાનમાં કોણ રહેશે તેને લઈને વિપક્ષ તરફથી હજુ પત્તા ખોલવામાં આવ્યા નથી. આ પહેલા ૨૦૦૯ની ચુંટણીમાં ભાજપના શક્તિશાળી નેતા મુરલી મનોહર જોશીએ જેલમાં રહેલા મુખ્તાર અંસારીને જોરદાર પડકાર ફેંક્યો હતો. ૧૯૮૦ની ચુંટણીમાં તેઓ રાજનારાયણ સામે મેદાનમાં હતા. વારાણસીમાં શરૂઆતની ત્રણ ચુંટણીઓ છોડવામાં આવે તો બાકીની ચુંટણીમાં કોંગ્રેસનો દબદબો શરૂઆતના વર્ષોમાં રહ્યો હતો. ત્રણ દશકથી વધુ સમય ગાળામાં ૧૯૮૪ બાદ કોંગ્રેસ પાર્ટી એક વખત જ ચુંટણી જીતી શકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થનાર છે. બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ પર મતદાન થનાર છે. ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે.