ફિલ્મી દુનિયામાં શ્રીદેવી, માધુરી દીક્ષિત, સુસ્મિતા સેન જેવી એક્ટર્સને ઠુમકા લગાવતા શિખવાડનાર કોરિયોગ્રાફર સરોજ ખાને થોડા સમય પહેલાં કામ ન મળવાની ફરિયાદ કરી હતી. સરોજ ખાન ચર્ચામાં ત્યારે આવી જ્યારે તેણે એવું કહ્યું કે, માધુરી દીક્ષિતની આગામી ફિલ્મનો ક્લાઈમેક્સનો મુજરો તેણે શીખવ્યો છે. ઉપરાંત સરોજે તેની ખરાબ તબિયતની ઊડતી અફવાનો છેદ ઉડાડતાં કહ્યું કે, હું એકદમ બરાબર જ છું. સરોજ ખાને જણાવ્યું કે, ’હું કરણ જોહરની ફિલ્મ ’કલંક’ની રાહ જોઈ રહી છું. તે ફિલ્મ બાદ બધી અફવાઓ પર પૂર્ણવિરામ લાગી જશે.’સૂત્રોની માહિતી અનુસાર, સરોજ ખાને જણાવ્યું કે, જ્યારે છેલ્લા અમુક વર્ષોમાં કોઈ તેને કામ ન આપતું હતું ત્યારે સલમાન ખાને તેની ઘણી મદદ કરી હતી. વધુમાં તેણે ઉમેર્યું કે, જ્યારે તે સલમાનને મળી ત્યારે સલમાને તેને પૂછ્યું કે તે અત્યારે શું કરી રહી છે. તેણે કહ્યું કે અત્યારે તો તેની પાસે કોઈ કામ નથી અને તે યંગ એક્ટ્રેસને ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ શિખવાડી રહી છે. આ સાંભળીને સલમાને કહ્યું કે, હવે તું મારી સાથે કામ કરીશ. હવે વાત એવી પણ જાણવા મળી રહી છે કે, ’દબંગ ૩’ માટે સરોજ ખાન સલમાનને ડાન્સ શિખવાડશે.