પશ્ચિમ રેલવેના રાજકોટ વિભાગમાં રાજકોટ-હાપા સેક્શન તેમજ અમદાવાદ વિભાગમાં સાણંદ-આંબલી રોડ સ્ટેશન વચ્ચે વીજળીકરણનું કામ ચાલી રહ્યું હોવાના કારણે તા.૩૧ માર્ચ સુધી બંધ રહેલી ૨૬ ટ્રેનો આજથી શરૂ થતાં પ્રવાસીઓને બહુ મોટો હાશકારો થયો છે. આ રૂટ પરની ૧૬ ટ્રેનોને પણ આંશિક રદ કરાઇ હતી, જે પણ આજે રાબેતા મુજબના રૂટ પર શરૂ થઈ ગઈ હતી. રાજકોટ અને અમદાવાદ વિભાગમાં વીજળીકરણની કામગીરી ચાલી રહી હતી, જેના કારણે રાજકોટ-પોરબંદર, અમદાવાદ-સોમનાથ, જામનગર-બાન્દ્રા, ઓખા-જયપુર, ઓખા-નાથદ્વારા, હાપા-ઓખા, બાન્દ્રા-મહુવા, બાન્દ્રા-પાલિતાણા, પુણે-વેરાવળ, ગાંધીધામ-બાન્દ્રા, ઇન્દોર-વેરાવળ, ભાવનગર-ગાંધીનગર સહિતની ર૬ ટ્રેનને ૯ દિવસ માટ તા.૩૧ માર્ચ સુધી રદ કરી દેવામાં આવી હતી. તો, ૧૬ જેટલી લોકલ-એક્સપ્રેસ ટ્રેન આંશિક રદ કરાઈ હતી. આજથી મુંબઈ જવા માટે અમદાવાદના યાત્રિકોને જામનગર-બાંદ્રા સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, મુંબઈ દુરંતો સુપરફાસ્ટ એક્સપ્રેસ, ઓખા-મુંબઈ સૌરાષ્ટ્ર મેલ, પોરબંદર-મુંબઈ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, જામનગર-હાપા હમસફર એક્સપ્રેસ સહિતની ટ્રેનો રાબેતા મુજબ મળશે. રાજકોટ ડિવિઝનના આ બ્લોકના કારણે આ દિવસો દરમિયાન અમદાવાદના ૧પ હજારથી વધુ યાત્રિકોની જુદા જુદા રૂટની ટિકિટો રદ થઈ હતી, જેના કારણે રેલવેએ પણ લાખો રૂપિયાનું રિફંડ પ્રવાસીઓને ચૂકવવું પડ્યું હતું. જો કે, હવે આ ૨૬ ટ્રેનોનો રેલ વ્યવહાર પૂર્વવત્ બનતાં લાખો રેલ પ્રવાસીઓને બહુ મોટી રાહત થઇ છે.