ભાવનગર જિલ્લા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળની મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું આજે પરિમલ ખાતે પક્ષના વરીષ્ઠ નેતાઓ અને સાધુ-સંતોની ઉપસ્થિતિમાં વિશાળ લોક સમુદાય વચ્ચે ઉદ્દઘાટન થયું હતું.
આ પછી રેલીરૂપે લોકોના સહકાર વડે ભારતીબેન શિયાળે લોકસભા ભાવનગર જિલ્લા બેઠક માટે ભાજપ દ્વારા કલેકટર કચેરીએ જઇને ફોર્મ ભર્યું હતું.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, બેઠકમાં ઉર્જાપ્રધાન સૌરભભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, ધારાસભ્ય હિરાભાઇ સોલંકી, સનતભાઇ મોદી, મેયર મનભા મોરી, સ્ટે.કમીટી ચેરમેન જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, મંત્રી વિભાવરીબેન દવે, જિ.પંચાયત પ્રમુખ વક્તુબેન મકવાણા, પૂર્વ મેયર નિમુબેન બાંભણીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લોકસભા ભાજપ ઉમેદવાર ભારતીબેન શિયાળે લોકો દ્વારા પાંચ વર્ષમાં મળેલા ભારે સહકાર બદલ આભાર માનીને છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન પ્રજાલક્ષી કરેલા કામોની વિગતો આપી હતી અને જણાવ્યું હતું કે ગઇ ચૂંટણીમાં હું ત્રણ લાખની લીડથી જીતી હતી. આ વખતે હવે તેનાથી બમણી લીડથી મારી જીત થશે તેવી શ્રદ્ધા અને વિશ્વાસ છે. તેમાં પ્રજાએ સહકાર દેવા અપીલ કરી હતી. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ દેશને વિકાસ ક્ષેત્રે દિશા બતાવનાર નરેન્દ્રભાઇ મોદીની દેશની નોંધપાત્ર કામગીરીની બાબતો જણાવી દિશાવિહીન બનેલ કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢતા તેમણે વિરાટ સ્વરૂપ લઇને લોકસભાની ચૂંટણી પ્રચારકાર્યની નરેન્દ્રભાઇ એ કરેલી શરૂઆતને આમ જનતાનો ભારે લોક આવકાર સાપડી રહ્યાની વાત કરી હતી.
કોંગ્રેસે આ જિલ્લામાં વોકઆઉટ કર્યો હોય તેવી કોંગીની કફોડી સ્થિતિનો ઉલ્લેખ કરી કોંગીને આડે હાથ લીધેલ. તેમણે આતંકવાદની બદીનો પણ ઉલ્લેખ કર્યો હતો.